અમદાવાદ શહેરમાં થયેલા ભારે વરસાદથી સૌથી વધુ જો ખરાબ હાલત હોય તો તે રોડ-રસ્તાની છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ઉતર્યા બાદ હવે સ્થિતિનો અંદાજો આવી રહ્યો છે કે, શહેરમાં ક્યાં મોટા ભુવા પડ્યા છે અને ક્યાંક રસ્તાઓ તૂટી ગયા છે. ગત સોમવારે વહેલી સવારે વરસાદ બંધ થયા બાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં હજી પણ અનેક જગ્યાએ રોડ અને માટી બેસી ગઈ હોવાની ફરિયાદ સામે આવી છે.
પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચાર રસ્તાથી પરિમલ ગાર્ડન તરફ જવાના રોડ ઉપર આખેઆખો રોડ બેસી જતાં ભુવો પડ્યો છે. તો શહેરના પોશ વિસ્તાર એવા પ્રહલાદનગરમાં તો મસ મોટો ભુવો પડતા બેરિકેડ મુકવાની ફરજ પડી છે, તો શહેરના શાહીબાગ વિસ્તારમાં તો એટલો મોટો ભુવો પડ્યો કે, ભારે વરસાદમાં આ ભુવામાં આખી કાર ઉતરી ગઈ હતી. પૂર્વ કે, પશ્ચિમ અમદાવાદના દરેક વિસ્તારમાં નાના મોટા ખાડા જોવા મળી રહ્યા છે. પરંતુ તંત્ર માત્ર બેરીકેડ મૂકી નાની કામગીરી કરી સંતોષ માની રહ્યું છે.