અમદાવાદમાં ચ્હા પીવા માટે વપરાતા પેપર કપ ઉપર મ્યુનિ. કોર્પોરેશને પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે માટીના કુલ્લડ અને ખાસ પ્રકારના ફ્લેવર કપ હવે પેપર કપના વિકલ્પ બન્યા છે. લોકો ચોકલેટ, વેનીલા અને ઈલાયચી ફ્લેવર્ડમાં આ ફ્લેવર કપમાં ચ્હા પીને તેને ખાઈ પણ શકે.
અમદાવાદમાં પેપર કપ પર આવેલા પ્રતિબંધથી શહેરના આસ્ટોડિયા દરવાજા પાસેના 51 વર્ષ જૂના ટી સ્ટોલ પર લોકોને ફ્લેવર કપમાં ચ્હા આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ફ્લેવર કપમાં અપાતી ચ્હા 25 મિનિટમાં પી જવી પડે છે. અહીં ચ્હા પીવા આવનાર લોકો માટે પણ આ કપ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગ્રાહક પણ કહી રહ્યા છે કે, આ સારો અભિગમ છે. ચ્હા પીધા બાદ કપ ખાઈ જવાનો એટલે એવું લાગે કે, ફ્લેવર કપને જાણે ચ્હા-બિસ્કિટ સાથે ખાધા હોય. તો અહીં વર્ષોથી દુકાન ચલાવતા ટી-સ્ટોલના માલિકે જણાવ્યુ હતું કે, અમે ચ્હાની કિંમતમાં કોઈ વધારો કર્યો નથી. પરંતુ ફ્લેવર કપ અને કુલ્લડના કારણે કોસ્ટ વધી જાય છે. વધારાના રૂ. 4 ફ્લેવર કપ અને કુલ્લડ માટે વસૂલાય છે. મહત્વનું છે કે, મ્યુનિ. કોર્પોરેશને ચ્હાના પેપર કપ બંધ કર્યા હોય, તે ગુજરાતનો આ પ્રથમ નિર્ણય છે. આમ, પેપર કપના વિકલ્પ સામે હવે અલગ અલગ ફ્લેવરના કપ તેનું સ્થાન લઈ રહ્યા છે, જે ગ્રાહકોને પણ આકર્ષી રહ્યા છે.