Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રૂ. 1.96 લાખની નકલી ચલણી નોટ સાથે યુવકની ધરપકડ, મોડસ ઓપરેન્ડી જાણી તમે પણ ચોંકી જશો...

અમદાવાદના બજારમાં નકલી ચલણી નોટો ફરતી કરવા માટે નવી જ મોડસ ઓપરેન્ડી સામે આવી છે.

X

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 98 જેટલી નકલી ચલણી નોટ સાથે એક યુવકની ધરપકડ કરી છે. જોકે, નકલી ચલણી નોટોને બજારમાં ફરતી કરનાર માસ્ટર માઇન્ડ હજી પોલીસ પકડથી દૂર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદના બજારમાં નકલી ચલણી નોટો ફરતી કરવા માટે નવી જ મોડસ ઓપરેન્ડી સામે આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ગિરફ્તમાં રહેલો આરોપી સોલા વિસ્તારમાં રહેતો એન્જીનીયરીંગનો વિદ્યાર્થી દિલીપ કેશવાલા છે. દિલીપ પાસેથી પોલીસને રૂપિયા 2000ના દરની 56 જેટલી બનાવટી ચલણી નોટો મળી આવી હતી. અને તે અગાઉ તેણે 42 બનાવટી નોટોની મદદથી મોબાઇલ ફોન અને ગોલ્ડ ખરિદ્યા હોવાનું બહાર આવ્યું છે. જે 42 નોટો બેન્કમાંથી ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કરી છે. એટલે કે, કુલ 1.96 લાખ રૂપિયાની બનાવટી નોટો અલગ અલગ જગ્યાએથી જપ્ત કરી છે. જોકે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ તમામ નકલી ચલણી નોટ હાઈ ક્વોલિટીની છે. જેમાં મોટાભાગના સિક્યુરિટી ફિચર્સ પણ છે.

જેને લઈ આ ચલણી નોટોનું પાકિસ્તાન કનેક્શન હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરવા માટે આરોપીએ નવી મોડસ ઓપરેન્ડી શરૂ કરી હતી. જેમા ડમી સીમકાર્ડની મદદથી ઓનલાઈન સર્વિસના બહાને સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવવામાં આવતું અને તે ગ્રુપમાં રહેલા સભ્યોને પોર્ટર બનાવી તેમને પાર્સલમાં બનાવટી નકલી ચલણી નોટો મોકલવામાં આવતી હતી. જે નોટોના આધારે મોંઘા મોબાઇલ અને સોનુ ખરીદવામાં આવતું હતું. બાદમાં સસ્તી કિંમતે આ વસ્તુ વેચી દઈ અસલી નોટો આંગડિયા પેઢીમાં અને ત્યાંથી બિટકોઈનમાં રોકાણ કરવામાં આવતું હતું. સાથે જ આ ગુનાનો માસ્ટર માઈન્ડ પણ અમદાવાદનો હોવાનું સામે આવ્યુ છે. જોકે, હવે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વ્હોટ્સએપ ગ્રુપમાં રહેલા અન્ય નંબરોના આધારે તપાસ હાથ ધરી છે. સાથે જ બનાવટી નોટો પાકિસ્તાનથી આવી છે કે, કેમ તે અંગે પણ કેન્દ્રિય ગુપ્તચર એજન્સીઓ સાથે તપાસ શરૂ કરી છે.

Next Story