ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં સગીરાની છેડતીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અંક્લેશ્વરમાં સગીરાની એકલતાનો લાભ ઉઠાવી છેડતી કરતા ઈસમ વિરૂદ્ધ 2 મહિના અગાઉ અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકમાં છેડતીનો ગુનો નોંધાયો હતો. અંકલેશ્વરના એક વિસ્તારમાં રહેતી એક સગીરાના માતા-પિતા ઘરે હાજર ન હોય, તે સમયે તેની એકલતાનો લાભ ઉઠાવી આરોપીએ સગીરાને પટાવી લાલચ આપી એકાંત જેવા સ્થળે લઈ જઈને તેની છેડતી કરતો હોય, આ સમયે ત્યાં કોઈ ઈસમ આવી પહોંચતા તે ત્યાંથી ભાગી ગયો હતો. આ અંગેની જાણ સગીરાના માતા-પિતાને થતા તેઓએ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં આરોપી વિરૂદ્ધ સગીરાની છેડતી બાબતે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. પરંતુ આરોપી ગુના બાદ નાસતો ફરતો હતો.
જોકે, જિલ્લા અને જિલ્લા બહાર નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા એસપી મયુર ચાવડાએ આપેલી સૂચનાઓ અનુસંધાને પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પીએસઆઈ વી.એ.રાણાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે ખાનગી માહીતીના આધારે અંક્લેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકમાં IPC-354 (ડી) તથા પોક્સો એક્ટ કલમ-12 મુજબના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપી અંગે ટીમના એ.એસ.આઈ. મનસુખ કરશનભાઇ તથા ગિરીશ શંકરભાઇ તથા આ.હે.કો. અશોક નારુભાઇએ આરોપીને અંકલેશ્વર રેલ્વે સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યો હતો, ત્યારે હાલ તો ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે દબોચી લીધો હતો. ત્યારબાદ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ દ્વારા આરોપીને વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે.