/connect-gujarat/media/post_banners/9e571c51850243f8c3723af17b8c7461575b58eabcef9308c115251875c9d564.jpg)
મોરબીની મચ્છુ નદી પર ઝુલતો પુલ તૂટી પડતાં સમગ્ર ગુજરાત હિબકે ચઢ્યું છે, ત્યારે રાજ્ય સરકાર પણ હચમચી ગઇ છે. તેવામાં હવે અમદાવાદના અટલ બ્રિજ પર ફરવા આવતા મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત કરવા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
મોરબીમાં સર્જાયેલ દુર્ઘટના બાદ રાજ્યમાં આવા પ્રવાસન સ્થળોએ આગમચેતીના પગલા માટે ખાસ સૂચના આપી દેવામાં આવી છે. તાજેતરમાં જ અમદાવાદમાં લોકાર્પણ કરવામાં આવેલ અને આકર્ષણનું કેન્દ્ર બનેલા અટલ બ્રિજ અંગે સ્થાનિક તંત્ર દ્વારા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને અટલ બ્રિજ પર અગમચેતીના પગલારૂપે મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણયને અટલ બ્રિજ પર આવતા સહેલાણીઓ પણ આવકારી રહ્યા છે, અને કહી રહ્યા છે કે, આ બ્રિજનું નિર્માણ કાર્ય ખૂબ મજબૂત છે. આ બ્રિજને કોઈપણ પ્રકારની તકલીફ પડે એવું નથી. છતાં સલામતી માટે તંત્ર દ્વારા જે પણ નિર્ણય કરવામાં આવ્યો છે તે સારો છે.
જોકે, ટેક્નિકલી અટલ બ્રિજનું સ્ટ્રક્ચર ખૂબ જ મજબૂત અને સલામત છે. તેમ છતાં હાલની ઘટનાને ધ્યાને લઇ મુલાકાતીઓની સલામતી માટે લેવાયેલ આ નિર્ણયને અનુરૂપ જો મુલાકાતીઓની સંખ્યા પ્રતિ કલાક 3 હજારથી વધારે થઇ જાય, તો થોડા સમય માટે પ્રતીક્ષા કરી વહીવટી તંત્રને સહકાર આપવા માટે અપીલ પણ કરવામાં આવી છે. બ્રિજની હાલની ક્ષમતા તથા ટેક્નિકલ ક્ષમતા મુજબ એક સાથે 12 હજારથી વધુ મુલાકાતીઓ બ્રિજ પર ઉભા રહી શકે છે, છતાં હવેથી દર કલાકે વધુમાં વધુ 3 હજાર મુલાકાતીઓને જ પ્રવેશ આપવામાં આવશે. જેથી મુલાકાતીઓ વધુ સલામત રીતે અટલ બ્રિજનો અનુભવ લઇ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.