સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઇવે નં. 8 પર અમદાવાદથી અયોધ્યા ખાતે લઈ જવાતો 5500 કિલોનો ભવ્ય ધ્વજ દંડ આવી પહોચતા દર્શન કરવા માટે ધર્મપ્રેમી લોકો ઉમટી પડ્યા હતા.
આગામી તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, ત્યારે અમદાવાદના ગોતા વિસ્તારના અંબિકા એન્જિનિયરિંગ વર્કસ કંપની દ્વારા ભવ્ય ધ્વજ દંડ તૈયાર કરવામાં આવ્યો છે, ત્યારે 5500 કિલોના ભવ્ય ધ્વજ દંડને ટ્રક મારફતે અયોધ્યા ખાતે લઈ જવામાં આવી રહ્યો છે. તેવામાં રસ્તામાં ઠેરઠેર રામભક્તો ધ્વજ દંડ પર પુષ્પ વર્ષાથી સ્વાગતની સાથે જય શ્રી રામના નારા બોલાવી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે, ત્યારે અમદાવાદથી અયોધ્યા જઈ રહેલ ધ્વજ દંડ સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે નેશનલ હાઇવે નં. 8 પરથી પસાર થતાં મોટી સંખ્યામાં રામભક્તોએ ઉપસ્થિત રહી ધ્વજ દંડનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તો બીજી તરફ, નેશનલ હાઇવે જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યો હતો.