Connect Gujarat
ગુજરાત

અખિલ ગુજરાત ગ્રા.પં. કલાર્ક, પટાવાળા મહામંડળ દ્વારા આંદોલનનાં મંડાણ

અખિલ ગુજરાત ગ્રા.પં. કલાર્ક, પટાવાળા મહામંડળ દ્વારા આંદોલનનાં મંડાણ
X

કર્મચારીઓની નિમણુક, નોકરીની સલામતી, પગાર આરક્ષણ, કર્મચારી મૃત્યુ પામે તો વારસદારને નોકરી આપવા જેવા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહિ આવે તો આગામી સમયમાં મંડળ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે જલદ આંદોલન.

પ્રાંતિજના યાત્રાધામ સાંપડ મહાકાળી મંદિરના હોલમાં ગુજરાત રાજય તલાટી કમ મંત્રી યુનિયનના પૂર્વ મંત્રી પ્રવિણસિંહ વિહોલના અધ્યક્ષસ્થાને અખિલ ગુજરાત કલાર્ક, પટાવાળા મહામંડળના પ્રમુખ મનુસિંહ રાઠોડની હાજરીમાં મહાસંમેલન યોજાયુ હતું.

જેમાં જુનાગઢ, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લામાંથી ગ્રામ પંચાયતોના કર્મચારીઓ જોડાયા હતા. ગ્રા.પં.માં વર્ષોથી વફાદારીથી ફરજ બજાવતા કલાર્કો અને પટાવાળાઓના પડતર પ્રશ્નો અંગે કોર્ટના દ્વાર ખખડાવાયા હતા. સરકારી તંત્ર દ્વારા કોર્ટના આદેશોની પણ અવગણના કરી કેટલાક કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે.

જેમને તાત્કાલિક પંચાયતોમાં પરત લેવા, કર્મચારીઓને આરક્ષણ આપવુ સહિતની માગણીઓ અંગે રજૂઆતો કરવા છતાં સરકાર તરફથી નિરાકરણ લાવવામાં કોઇ રસ દાખવવામાં આવ્યો નથી. પ્રવિણસિંહે જણાવ્યું હતું કે, કર્મચારીઓને ન્યાય નથી મળતો ત્યારે આરપારની લડાઇ લડી લેવાના મૂડમાં છે. સરકાર અને તંત્રના જવાબદાર અધિકારીઓએ નાના કર્મચારીઓને સતત અન્યાય કર્યો છે.

જો આ કર્મચારીઓની નિમણુક, નોકરીની સલામતી, પગાર આરક્ષણ, કર્મચારી મૃત્યુ પામે તો વારસદારને નોકરી આપવા જેવા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહિ આવે તો આગામી સમયમાં મંડળ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે જલદ આંદોલન કરવામાં આવશે. પ્રવિણસિંહ વિહોલે ગુજરાત રાજય ગ્રામ પંચાયત કલાર્ક, પટાવાળા મહામંડળને આર્થિક સહયોગ આપવાની પણ ખાતરી આપી હતી. મહામંડળના આ સંમેલનનું સફળ સંચાલન અશોકભાઇ સાધુ દ્વારા કરવામાં આવ્યુ હતું.

Next Story