Connect Gujarat
Featured

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં રથની કરવામાં આવી પુજા

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં રથની કરવામાં આવી પુજા
X

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આ વર્ષે પણ કોરોનાનું ગ્રહણ લાગે તેવી સંભાવના છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પુર્વે અખાત્રીજના પાવન અવસરે પ્રભુ પરિવાર જે રથમાં નગરચર્યાએ નીકળે છે તે રથનું પુજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મંદિરના મહંત દિલિપદાસજી સહિત જુજ સંખ્યામાં મહેમાનો હાજર રહયાં હતાં.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પહેલાં આજે શુક્રવારે અખાત્રીજના પાવન અવસરે સવારે 9 વાગે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. અખાત્રીજના દિવસે રથના પુજનની વિધિને ચંદન પૂજા કહેવામા આવે છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવ્યુ હતું. આ વિધિ અત્યંત સાદગીથી અને ગણતરીના લોકોની હાજરીમાં કરાઈ હતી. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ ચંદન પૂજામાં હાજર રહે છે પરંતુ આ વર્ષે ભક્તોની ગેરહાજરી જોવા મળી હતી. ભક્તો વગર જ માત્ર ગણતરીની સંખ્યામાં લોકોની હાજરીમાં પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી. પુજનવિધિમાં રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મંદિરના મહંત દિલીપદાસજી સહિતના અગ્રણીઓ જોડાયાં હતાં. ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળી હતી. ત્યારે આ વર્ષે પણ જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે કેમ એ અંગે ભક્તોમાં અસમંજસ છે. કોરોના મહામારીના હાલ બીજો વેવ છે. તેથી તેની અસર રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રા પર પણ થાય તેવી શક્યતા છે. 24મી જૂનના રોજ જળયાત્રા યોજાનાર છે. તેથી તે સમયે પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાશે તેવુ હાલ મંદિરના ટ્રસ્ટીઓનું કહેવું છે.

Next Story