અમદાવાદ : કોરોના ઉછાળો મારે તેવી શક્યતા સાથે સિવિલ હોસ્પિટલના સ્ટાફની દિવાળીની રજાઓ “રદ્દ”

Update: 2020-11-09 13:22 GMT

કોરોનાના વધતાં જતાં સંક્રમણને પગલે દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબ ઉપરાંત નર્સિગ-પેરામેડિકલ સ્ટાફની દિવાળીની રજાઓને રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરની 500થી વધુ ખાનગી હોસ્પિટલના તબીબોએ પણ દિવાળી વેકેશનમાં પોતાની ફરજ બજાવવાનું નક્કી કર્યુ છે.

ગુજરાતમાં કોરોના હજુ કાબુમાં આવી શક્યો નથી. જોકે, રોજના 1000 કેસ નોંધાઇ રહ્યા છે. આ ઉપરાંત તબીબોએ પણ ચેતવણી ઉચ્ચારી છે કે, શિયાળામાં કોરોનાના કેસ વધી શકે તેમ છે, ત્યારે દિવાળી વેકેશનમાં કોરોનાના દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા વધી છે. રોજના 50થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. દિવાળીના તહેવારો દરમ્યાન કોરોના જ નહીં, અન્ય રોગના દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે તમામ તબીબો અને પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ્દ કરવામાં આવી છે. સિવિલના તમામ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને સિનિયર ડોક્ટરોને પણ રાઉન્ડ ધ કલોક ડ્યુટી સોંપવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિશને પણ દિવાળી વેકેશનમાં કઇ હોસ્પિટલમાં કયા તબીબો હાજર છે, તેની વિગતો વેબસાઇટ પર મૂકવા અંગે જણાવ્યુ છે. આ ઉપરાંત શહેરની 500થી વધુ ખાનગી હોસ્પિટલમાં તબીબો રાબેતા મુજબ પોતાની સેવા આપે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Tags:    

Similar News