અમદાવાદ : સુરક્ષિત શહેર હવે બની રહ્યું છે અસુરક્ષિત, લૂંટારુઓ બન્યા બેફામ

Update: 2020-10-06 12:53 GMT

મોડી રાત સુધી જો હવે તમે અમદાવાદ શહેરમાં ફરો છો તો સુરક્ષિત નથી. ખાસ કરી રીવરફ્રન્ટ જેવા વિસ્તારમાં મોડી રાતે બેસવા જતા કપલ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મોડી રાતે રીવરફ્રન્ટ ઉસ્માનપુરા ગાર્ડનથી દધિચીબ્રિજ વચ્ચે ઉપરના ભાગે પાળી પર એક કપલ બેઠું હતું ત્યારે એક્ટિવા પર આવેલા બે શખ્સ મોડી રાત સુધી અહીંયા કેમ બેઠા છો કહી છરી બતાવી બે મોબાઈલ ફોન અને પાકિટની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. સાબરમતી રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


નારણપુરા વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 26 વર્ષના યુવકની ઘાટલોડિયામાં રહેતી ડોકટર યુવતી સાથે સગાઈ થઈ છે. બે દિવસ પહેલા બંને મોડી રાતે નાસ્તો કરી ફરવા નીકળ્યા હતા. રાતે સાડાબારની આસપાસ રીવરફ્રન્ટ ઉસ્માનપુરા ગાર્ડનથી દધિચીબ્રિજ વચ્ચે ઉપરના ભાગે પાળી પર તેઓ બેઠા હતા. રાતે બે વાગ્યાની આસપાસ એક્ટિવા પર બે શખ્સ આવ્યા હતા. થોડા આગળ એક્ટિવા ઉભું રાખી તેમની પાસે આવ્યા હતા અને હિન્દીમાં આટલી મોડી રાત સુધી અહીંયા શું કરો છો કહી યુવક-યુવતીને છરી બતાવી બંનેના મોબાઈલ ફોન લૂંટી લીધા હતા. પાકીટ પણ લૂંટી એક્ટિવા પર ઉસ્માનપુરા ગાર્ડન તરફ ફરાર થઇ ગયા હતા. આ મામલે યુવકે સાબરમતી રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Tags:    

Similar News