અમદાવાદ : બુટલેગરોનો ફરીથી નરોડા પોલીસ પર જીવલેણ હુમલો, પોલીસ કર્મચારીને ઈજા...

પોલીસે જ્યારે બૂટલેગરને રોક્યો, ત્યારે પોલીસ જોડે બબાલ કરી હતી અને ત્યારબાદ પોલીસને ધમકી આપી પથ્થરમારો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો

Update: 2022-09-09 10:32 GMT

થોડા સમય પહેલા અમદાવાદની નરોડા પોલીસ ટીમ બુટલેગરોને ત્યાં ગઈ હતી, આ દરમિયાન જે તે સમયના વહીવટદાર સહિતના પોલીસ કર્મચારીઓને બુટલેગરોએ તથા સ્થાનિક લોકોએ દોડાવી દોડાવીને માર માર્યો હતો. જેનો વીડિયો વાયરલ થતા પોલીસ કાર્યવાહી થઈ હતી. હવે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. નરોડા પોલીસ સ્ટેશનના 2 પોલીસ કર્મચારી લિસ્ટેડ બુટલેગર ગાડી લઈને નીકળતા હોવાની શંકાના આધારે કારનો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન બુટલેગરોએ ગાડી રોકી પોલીસ કર્મચારીઓ સાથે બબાલ કરી હતી, અને ફરીથી પોલીસ પર હુમલો કરી પોલીસ કર્મચારીને ઈજા પહોંચાડી છે.

નરોડા પોલીસે જ્યારે બૂટલેગરને રોક્યો, ત્યારે પોલીસ જોડે બબાલ કરી હતી અને ત્યારબાદ પોલીસને ધમકી આપી પથ્થરમારો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. હથિયારો સાથે તૂટી પડેલા બુટલેગરોના મારી એક પોલીસ કર્મચારી નાકના ભાગે ગંભીર ઈજાઓ થતા ઓપરેશન કરવાનો વારો આવ્યો છે. સમગ્ર બાબતને લઈને આઠ લોકો સામે આઇપીસી 143, 144, 147, 148, 149, 333, 336, 325, 427, 307 અને જીપી એકટ 135(1) જેવી કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.

નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દેવેન્દ્રસિંહ ઝાલા જીઆઇડીસી ચોકી ઉપર ફરજ બજાવે છે. તેઓ સરકારી બાઈક સાથે નાના ચિલોડા ગામ ચાર રસ્તાથી નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભાગોળ ચોકી ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મી તેમની ગાડી લઈને આવ્યા હતા. આ દરમિયાન ભાટ ટોલટેક્સ તરફથી એક ક્રેટા ગાડી નીકળી હતી. તે ગાડીમાં ઉસ્માન શેખ તથા હારુન શેખ બેઠા હતા અને તેની પાછળ અન્ય એક ગાડી નીકળી હતી. જે ગાડીમાં મુકેશ ઠાકોર, રાજેશ ફુગ્ગો બેઠા હતા. આ શખ્સો ઉપર અગાઉ નરોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કેસો થયા હતા અને પોલીસકર્મી દેવેન્દ્રસિંહ પણ આ શખ્સો વિરુદ્ધ કેસ કર્યો હતો, જેમાં તેઓ ફરિયાદી હતા. પ્રોહિબિશનના અલગ અલગ કેસમાં આરોપીએ હાઇકોર્ટમાંથી સ્ટે લીધો હતો,

અને હાલમાં તેઓ ચોરીછૂપીથી પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા હોવાના કારણે પોલીસ કર્મચારીઓને શંકા જતાં તાત્કાલિક તેનો પીછો કર્યો હતો. પોલીસ કર્મચારીઓ પીછો કરી રહ્યા હતા, ત્યારે બુટલેગરો ગાડી લઈ સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં ગયા હતા, અને ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં રાત્રે ફરી આ ગાડીનો પીછો કરતા તે દરમિયાન ગાડીને ટક્કર વાગતા એક ગાડી સાઈડમાં ઉભી રહી હતી. જે ગાડીમાંથી મુકેશ ઠાકોર તથા રાજેશ ફુગ્ગો નીચે ઉતર્યા હતા.

મુકેશ ઠાકોરના હાથમાં પાઇપ અને રાજેશના હાથમાં લાકડી હતી. આ સિવાય બીજા ત્રણ શખ્સો પાસે પણ હાથમાં પથ્થર હતા અને આ શખ્સોએ ભેગા મળી પોલીસ કર્મચારી વાહન ઉપર પથ્થર માર્યા હતા. જેના કારણે વાહનોના કાચ તૂટી ગયા હતા. હાલમાં જે પ્રમાણે પોલીસ પર હુમલા વધતા જાય છે, જે સાબિત કરે છે કે, પોલીસનો ડર હવે બુટલેગરોમાં રહ્યો નથી. પોલીસ જ્યારે બૂટલેગરને રોકે છે, ત્યારે તેમની પર હુમલો કરી આરોપીઓ બચીને નીકળી પણ જાય છે.

Tags:    

Similar News