અમદાવાદ : ટ્રાફિક સિગ્નલ પર ડાબી બાજુ વળવાવાળા વાહનચાલકોને થશે રાહત, નહિ અટવાયું પડે ટ્રાફિકમાં

પોલીસના નવતર પ્રયોગને કારણે હવે ડાબી તરફ જતાં વાહનોને ટ્રાફિક સિગ્નલની લાઇનમાં ઉભા રહેવું નહી પડે

Update: 2021-08-23 11:24 GMT

અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ કે સર્કલ પર ડાબી તરફ જતાં વાહનો માટે રસ્તાની એક સાઇડ ખુલ્લી રખાશે. પોલીસના નવતર પ્રયોગને કારણે હવે ડાબી તરફ જતાં વાહનોને ટ્રાફિક સિગ્નલની લાઇનમાં ઉભા રહેવું નહી પડે.....

અમદાવાદમાં દિન પ્રતિદિન વાહનોની સંખ્યામાં વધારો થઇ રહયો છે. વાહનોની વધતી જતી સંખ્યાના પગલે ટ્રાફિક સિગ્નલ પર વાહનચાલકોને લાંબો સમય રાહ જોવી પડતી હોય છે. ટ્રાફિક સિગ્નલ કે સર્કલ પર સર્જાતા ટ્રાફિકજામમાં જે વાહનચાલકોને સિગ્નલ નડતરરૂપ નથી તેઓ પણ અટવાય જાય છે. આ વાત અમદાવાદ પોલીસના ધ્યાને આવી છે. આવા વાહનચાલકોની સરળતા માટે ટ્રાફિક પોલીસે ફ્રી લેફ્ટ લાઈન પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

અમદાવાદ શહેરમાં એક અંદાજ મુજબ 40 લાખ કરતાં વધારે વાહનો છે. વાહનોની સંખ્યા વધારે હોવાના કારણે સિગ્નલ બંધ હોવાના સમયે વાહનોની લાંબી લાઇન લાગી જાય છે. સિગ્નલ સીધા જતાં વાહનચાલકો આખો રસ્તો રોકી લેતાં હોય છે. આખો રસ્તો બ્લોક થઇ જતો હોવાના કારણે જે વાહનોને ડાબી બાજુ વળવાનું હોય છે તે પણ ટ્રાફિકમાં ફસાય જતાં તેમનો સમય પણ બગડે છે અને ઇંધણનો પણ વ્યય થાય છે. હાલમાં પશ્ચિમ અમદાવાદમાં મોટા ચાર રસ્તા પર ફ્રી લેફ્ટ લેઈન પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ડાબી બાજુ વળવા વાહનચાલકો માટે બેરીકેટ મૂકીને રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આમ કરવાથી ડાબી તરફ વળવા વાહનચાલકોને મુશ્કેલી ન પડે અને તેમની લેઈન ખુલ્લી રહે તેના માટે આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. જો કોઈ વાહન ચાલક ડાબી તરફ વળવા ના લાઈનમાં ઉભો રહેશે તો તેની સામે પોલીસ પણ કડક દંડની કાર્યવાહી કરવામાં આવશે.

Tags:    

Similar News