અમદાવાદ : અંગ દઝાડતી ગરમી સાથે તાપમાન 42 ડિગ્રીએ પહોંચ્યું, બપોર થતાં જ રસ્તાઓ સુમસામ...

સમગ્ર રાજ્યમાં ઠંડર સ્ટોર્મની અસર ઘટતાની સાથે જ અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીએ પહોંચી ગયું છે

Update: 2022-04-26 09:32 GMT

સમગ્ર રાજ્યમાં ઠંડર સ્ટોર્મની અસર ઘટતાની સાથે જ અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીએ પહોંચી ગયું છે, ત્યારે હાલ અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં કાળઝાળ ગરમી પડી રહી છે.

હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ શનિવાર અને રવિવાર દરમિયાન અમદાવાદ સહિત કચ્છ અને સુરેન્દ્રનગર તથા ગુજરાતના અનેક શહેરોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આવનાર 4 દિવસ રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હિટવેવ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ દિવસોમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. આ સાથે જ તમને જણાવીએ કે, અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અમદાવાદમાં ભારે ગરમીના કારણે લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ થયું છે. અંગ દઝાડતી ગરમીમાં લોકો સેકાઈ રહ્યા છે. શરીર અને મોઢાને લૂથી બચાવવા લોકોને આખા વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે, તો બપોરના સમયે શહેરના મોટાભાગના રસ્તાઓ પણ સુમસામ થઇ જાય છે. રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે અનેક રસ્તાઓ સુમસામ પડી ગયા છે. બપોરના સમયે દુકાનો પણ લોકો બંધ કરવા લાગ્યા છે. સ્કૂલે જતા બાળકો અને વેપાર ધંધે જતા લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. આગામી અઠવાડિયા દરમિયાન સમગ્ર રાજ્ય હીટવેવના કારણે ગરમીમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. મહત્વનું છે કે, સોમવારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ સુરત, વલસાડ, પોરબંદર, જુનાગઢ અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. તા. 26 એપ્રિલથી 4-5 દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો વધવાની શક્યતા હોવાથી યલો એલર્ટ અપાયુ છે.

Tags:    

Similar News