અમદાવાદ: ડબલ મર્ડર મામલે ઝારખંડના બે શંકાસ્પદ પરપ્રાંતીય યુવકની અટકાયત

શહેરભરમાં ચકચાર મચાવનાર દંપત્તિની હત્યાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝારખંડના બે શંકાસ્પદ પરપ્રાંતીય યુવકની ધરપકડ કરી લીધી છે

Update: 2021-11-08 08:16 GMT

અમદાવાદમાં દિવાળીના તહેવાર પહેલા જ ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યાની ઘટના બની હતી. શહેરભરમાં ચકચાર મચાવનાર દંપત્તિની હત્યાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝારખંડના બે શંકાસ્પદ પરપ્રાંતીય યુવકની ધરપકડ કરી લીધી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીની લૂંટનો ઈરાદો અથવા એ સમયે એવી કોઈ ઘટના બની કે વૃદ્ધની હત્યા કરવામાં આવી એ સંદર્ભે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

આ હત્યાની ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમ કામે લાગી હતી. સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ યુવક હતો, જેની ઓળખ કરી પૂછપરછ કરતાં ઘાટલોડિયા વિસ્તારમાં જ રહેતો હોવાનું જણાવ્યું હતું અને અન્ય એક શખસ સાથે મળીને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. દિવાળીના બે દિવસ પહેલાં ઘાટલોડિયામાં સિનિયર સિટીઝનની લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. ઘાટલોડિયાના પારસમણિ એપાર્ટમેન્ટમાં દયાનંદ અને તેમના પત્ની વિજયાલક્ષ્મી એકલા રહેતાં હતાં. ઘરમાં વૃદ્ધ દંપતી એકલું હતું ત્યારે અજાણ્યા શખસો ઘૂસી આવ્યા હતા, જેમણે લૂંટના ઇરાદે તેમના પર હુમલો કરી દીધો હતો. એમાં વૃદ્ધ દંપતીના મોત નીપજ્યાં હતાં.

દયાનંદ અને વિજયાલક્ષ્મીની હત્યા કરનાર આરોપી લોહી વાળી છરી ઘરમાં જ મૂકીને ગયો હતો, જે પોલીસે કબજે કરી હતી. જોકે આ છરી પર આર.કે. ઘાટલોડિયાનો માર્કો લાગેલો છે, જેથી આ નામવાળી દુકાન શોધવા માટે પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી. બીજી તરફ, હત્યા 6થી 8 વાગ્યા દરમિયાન કરવામાં આવી હતી, જેથી પોલીસે આ 2 કલાકના સમયગાળામાં એ વિસ્તારમાં મોબાઈલ ટાવરમાં કેટલા નંબર એક્ટિવ હતા એની તપાસ શરૂ કરી હતી. આ સાથે આજુબાજુના વિસ્તારોમાં આવેલા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા હતા.

Tags:    

Similar News