અંકલેશ્વર : પગપાળા જતાં શ્રમજીવીઓને રાજય સરકારે આપ્યો સહારો

Update: 2020-04-01 11:48 GMT

દેશમાં લોક ડાઉનની સ્થિતિમાં વતનમાં પગપાળા જઇ રહેલાં શ્રમજીવીઓ માટે રાજય સરકાર સકંટમોચન બનીને આવી છે. વતનમાં જતાં શ્રમજીવીઓ માટે બસોની તેમજ રોકાણ માટે કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે.

દેશમાં લોકડાઉનની જાહેરાતની સાથે વેપાર-ધંધા તથા અન્ય કામગીરી પર બ્રેક વાગી ગઇ છે. વિવિધ રાજયો તથા શહેરોમાંથી ગુજરાતમાં રોજગારી માટે આવેલાં લોકોએ લોક ડાઉન દરમિયાન વતનમાં જવાનું પસંદ કર્યું છે. લોકો જયાં હોય ત્યાં જ રોકાય જાય તે માટે સરકારે બસો તથા ટ્રેનો બંધ કરી દીધી હતી પણ શ્રમજીવીઓએ પગપાળા જ વતનની વાટ પકડી લીધી હતી. પગપાળા અથવા જે વાહન મળ્યું તેમાં બેસી દયનીય હાલતમાં શ્રમજીવીઓ વતન તરફ પ્રયાણ કરી રહયાં હતાં.

રાજય સરકારે પણ તરત એકશનમાં આવી શ્રમજીવીઓ માટે એસટી બસોની વ્યવસ્થા કરી દીધી હતી. જે લોકો ગુજરાત બહારના છે તેમના માટે રસ્તામાં કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે. કેમ્પમાં રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકાના ખરોડ સહિતના ગામોમાં કેમ્પ ચાલી રહયાં છે જેમાં શ્રમજીવીઓના આરોગ્યની પણ તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટર એમ.ડી. મોડીયા સહિતના અધિકારીઓએ કેમ્પની મુલાકાત લીધી હતી. આમ સરકાર સાચા અર્થમાં સંવેદનશીલ સાબિત થઇ છે.

Similar News