અરવલ્લી: મોડાસા પંથકના ખેડૂતોએ કેનાલમાં ઉતરી કર્યું વિરોધ પ્રદર્શન, જુઓ શું છે કારણ

Update: 2021-01-13 07:12 GMT

અરવલ્લીના મેશ્વો ડેમમાંથી મોડાસા પંથકના ખેડૂતોને બે પાણી આપ્યા પછી ત્રીજા રાઉન્ડના પાણી માટે જગનતો મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે ખેડૂતોએ કેનાલમાં ઉતરી પાણી આપોના સૂત્રોચ્ચાર કરતાં અધિકારીઓએ દોડતા થયા હતા.

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને કમોસમી વરસાદે રડાવ્યા, તો રવિ પાકના વાવેતર માટે મોંઘા દાટ બિયારણે ખેડૂતોનું બજેટ ખોરવ્યું. હવે અધિકારીઓ પાણી માટે રડાવી રહ્યા છે. અને જગતનો તાત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. વાત છે મોડાસા તાલુકાના ભવાનીપુરા, રસુલપુર સહિત લીંભાઈ કંપા પંથકની કે જ્યાં ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરે છે. તો બીજી બાજુ રવિ સીઝન માત્ર સિંચાઈના પાણી પર આધારિત હોય છે પણ રવિ સિઝનમાં હવે સિંચાઈ વિભાગે સમારકામ શરૂ કરી દેતા ખેડૂતોની ચિંતા વધી ગઇ છે.

મોડાસા તાલુકાના ખેડૂતો મેશ્વો ડેમના પાણીથી રવિપાક માટે નિર્ભર રહે છે.આસપાસના ખેડૂતોને સિંચાઈ માટે અન્ય કોઇ જ વિકલ્પ નથી માટે મેશ્વો જળાશયમાંથી છોડવામાં આવતું પાણી તેમના માટે અમૃત સમાન હોય છે. આ માટે પ્રથમ અને બીજા રાઉન્ડમાં પાણી છોડવામાં આવતા મેશ્વો કેનાલ વિસ્તારની ૨૦૦૦ હેક્ટર જમીનને સિંચાઈનો સીધો ફાયદો થયો હતો જો કે બે રાઉન્ડ પાણી અપાયા બાદ ત્રીજું પાણી છોડવામાં નહીં આવતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો. ખેડૂતો કેનાલ પર પહોચ્યા હતા અને ત્રીજા રાઉન્ડના પાણીની માંગ સાથે કેનાલમાં ઉતરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

ખેડૂતોનો રોષ જોઇ અધિકારીઓ કેનાલ ખાતે પહોંચ્યા હતા જ્યાં અધિકારીઓએ ખેડૂતોના સવાલોના જવાબો આપવા ભારે પડી ગયા હતા. આખરે બે થી ત્રણ દિવસમાં પાણી આપવાની મૌખિક વાત સિંચાઈ વિભાગના અધિકારીએ કરી છે ત્યારે ત્રીજુ પાણી મળતું થાય છે કે, નહીં તે જોવું રહ્યું.

Tags:    

Similar News