ભરૂચ : વિપક્ષની ધમકીના પગલે પાલિકા કચેરી બની પોલીસ છાવણી, જુઓ શું છે ઘટના..!

Update: 2020-11-04 11:57 GMT

ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ 72 કલાકમાં સત્તાધીશો સામાન્ય સભા નહિ બોલાવે તો પાલિકાની લોબીમાં શહેરીજનોને બોલાવી સભા કરવાની ચીમકી આપતાં શાસકોમાં દોડધામ મચી હતી. જોકે 72 કલાકનું અલ્ટીમેટમ પુર્ણ થાય તે પહેલાં જ નગર પાલિકા કચેરીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી હતી.

કોરોના વાયરસના કારણે માર્ચ મહીનાથી લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું. હવે ધીમે ધીમે જનજીવનની ગાડી પાટા ઉપર આવી રહી છે. ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા બોલાવવામાં આવતી નહિ હોવાથી વિપક્ષના સભ્યોમાં રોષ ફેલાયો હતો. તેમની દલીલ છે કે કોરોના કાળમાં વિધાનસભાની પેટાચુંટણી યોજી શકાય છે, પણ પાલિકાની સામાન્ય સભા બોલાવી શકાતી નથી. નગરપાલિકાના ભાજપી સત્તાધીશો તેમણે કરેલાં ભ્રષ્ટાચાર છુપાવવા માટે સામાન્ય સભા બોલાવવાથી દૂર ભાગી રહયાં હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે.

સોમવારના રોજ વિપક્ષના સભ્યોએ પાલિકા કચેરી ખાતે પહોંચી 72 કલાકમાં સામાન્યસભા બોલાવવામાં નહિ આવે તો વિપક્ષે પાલિકાની લોબીમાં સભા યોજશે તેવી ચીમકી આપી હતી. વિપક્ષના સભ્યોની ચીમકીના પગલે બુધવારની સવારથી જ પાલિકા કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

Tags:    

Similar News