ભરૂચ : એટીએમ કાર્ડ કલોન કરી નાણા ઉપાડી લેતી યુપીની ટોળકી ઝડપાય, જુઓ કેવી રીતે આચરતાં હતાં ગુનો

Update: 2021-01-22 14:09 GMT

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે એટીએમ કાર્ડ કલોન કરી ખાતેદારોના ખાતામાંથી નાણા ઉપાડી લેતી આંતરરાજય ટોળકીને ઝડપી પાડી છે. ટોળકીના પાંચેય સાગરિતો ઉત્તરપ્રદેશના રહેવાસી છે અને તેમણે ગુજરાત સહિત અનેક રાજયોમાં કાર્ડ કલોનીંગ કરી લાખો રૂપિયાની ઉચાપત કરી છે.


ભરૂચ એલસીબી પીઆઇ જે.એન.ઝાલા તથા તેમની ટીમે ચોકકસ બાતમીના આધારે ભરૂચ - દહેજ રોડ પર આવેલાં દહેગામ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક એકસયુવી કારમાં પસાર થઇ રહેલાં પાંચ ઇસમોને અટકાવ્યાં હતાં. તેમની પાસેથી એટીએમ કાર્ડ કલોન કરવાની ડીવાઇસ, લેપટોપ, 30 જેટલા એટીએમ કાર્ડ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ઇસમોની પુછપરછ આદરવામાં આવતાં તેઓ સુરતથી તેમના મિત્રની કાર લઇને દહેજ ખાતે એટીએમ કલોનીંગ કરવા જઇ રહયાં હોવાની કબુલાત કરી હતી. ઉત્તરપ્રદેશના રહેવાસી એવા પાંચેય ઇસમોએ અત્યાર સુધી ભરૂચ, અંકલેશ્વર,દહેજ, સુરત, તથા હૈદરાબાદ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિત અનેક સ્થળોએ ગુના આચર્યા છે. ગેંગના સાગરિતો જે લોકોને એટીએમનો ઉપયોગ કરતાં ન આવડતું હોય તેમને નિશાન બનાવતાં હતાં. એટીએમની બહાર ઉભા રહી તેઓ કોઇ વ્યકતિ પીન નાખી નાણા ઉપાડે એટલે પીન નંબર નોંધી લેતાં હતાં અને બાદમાં તે વ્યકતિ પાસેથી કોઇ પ્રકારે એટીએમ મેળવી તેને કલોન કરી લેતાં હતાં. એટીએમનો ડેટા તેમના લેપટોપમાં સેવ કરી લીધાં બાદ ત્યાંથી જતાં રહેતાં હતાં. કલોન કરેલા એટીએમની મદદથી અન્ય સ્થળે જઇને નાણા ઉપાડી લેતાં હતાં. ઝડપાયેલાં આરોપીઓ પાસેથી 30 જેટલા એટીએમ કાર્ડ સહિત 7.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આરોપીઓના લેપટોપમાંથી દેશના કોઇ પણ સ્થળેથી નાણા ઉપાડી શકાય તેવું સોફટવેર પણ મળી આવ્યું છે.

Tags:    

Similar News