વડોદરા : પ્લાસ્ટિકના દાણાની આડમાં લઈ જવાતો રૂ. 3.83 લાખનો દારૂ જથ્થો પોલીસે જપ્ત કર્યો...

લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ બુટલેગરો સક્રિય થઇ ગયા છે, અને રાજ્ય બહારથી વિદેશી દારૂ મંગાવાનું શરૂ કર્યું છે.

Update: 2024-05-09 10:24 GMT

લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ બુટલેગરો સક્રિય થઇ ગયા છે, અને રાજ્ય બહારથી વિદેશી દારૂ મંગાવાનું શરૂ કર્યું છે. ટ્રકમાં પ્લાસ્ટીકના દાણા ભરેલી બોરીઓની આડમાં સુરત તરફ લઈ જવાતો દારૂ વડોદરા જિલ્લા એલસીબીની ટીમે હાલોલ વડોદરા રોડ ઉપર આમલીયારા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે રૂપિયા 3.83 લાખનો દારૂ, તથા પ્લાસ્ટીકના મળી કુલ રૂપિયા 23.46 લાખનો મુદ્દામાલ કબ્જે કરવા સાથે ચાલકની ધરપકડ કરી હતી, જ્યારે વિદેશી દારૂનો જથ્થો ભરીને મોકલનાર તેમજ મંગાવનાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાચના પીઆઇ કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા એલસીબીની ટીમ જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે ઉપર પેટ્રોલીંગની કામગીરી કરી રહી હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે, એક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરાથી વાયા વડોદરા થઈ સુરત તરફ જવાનો છે. જેના આધારે એલસીબીની ટીમે હાલોલ વડોદરા રોડ પર આમલીયારા ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા તેને ઊભી રખાવી હતી. ગાડીમાં ડ્રાઇવર હાજર હોય જેને નીચે ઉતરી પુછતાછ કરતા તેને પોતાનું નામ હિરાલાલ દુખરન શાહ (રહે. લક્ષ્મી પાર્ક, CR સૈનીક પબ્લીક સ્કુલ સામે, તાઉ ચોક, નાનગ્લોઈ વેસ્ટ, દિલ્હીનો હોવાનું જણાવ્યું હતું. જેને ગાડીમાં ભરેલા માલ બાબતે પુછતા પ્લાસ્ટીકના દાણાઓ ભરેલ હોવાનું જણાવ્યું હતું. જેથી એલસીબીએ ડ્રાઇવરને સાથે રાખી ગાડીમાં તપાસ કરતા પ્લાસ્ટીકના દાણાની બેગોની આડમાં સંતાડી રાખેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 3.83 લાખનો દારૂ, એક મોબાઈલ, 10 લાખની કિમતનો ટ્રક તથા પ્લાસ્ટીકના દાણા ભરેલ બેગ નંગ-280 રૂપિયા 9.52 લાખ તથા બેરલ મળી રૂપિયા 23.46 લાખનો મુદ્દામાલ કબ્જે કરવા સાથે ચાલકની ધરપકડ કરી હતી, જ્યારે વિદેશી દારૂનો જથ્થો ભરીને મોકલનાર તેમજ મંગાવનાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ધરી છે. આ બનાવ અંગે એલસીબીએ જરોદ પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક હિરાલાલ શાહ સહિત 3 આરોપીઓ સામે ફરિયાદ નોધાવી હતી. જરોદ પોલીસે મુદ્દામાલ કબજે કરી પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News