ભરૂચ : વોર્ડ નંબર -10ના રહીશોમાં નગરસેવકો પ્રત્યે ભારોભાર રોષ, જુઓ ચુંટણી પહેલાં શું આપી ચીમકી

Update: 2021-01-13 10:54 GMT

ભરૂચ નગરપાલિકાની ચુંટણીના પડઘમ વાગી રહયાં છે ત્યારે પાંચ વર્ષમાં લોકોના કામ નહિ કરનારા નગરસેવકોને ઘરે બેસવાનો વારો આવી ચુકે છે. ભરૂચ શહેરના 10 નંબરના વોર્ડમાં માળખાકીય સુવિધાઓના અભાવે લોકોમાં આક્રોશ જોવા મળી રહયો છે. નગરસેવકો તેમના કામ કરતાં નહિ હોવાથી અહીંના રહીશોએ ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

ભરૂચ નગરપાલિકામાં 15 વર્ષ ઉપરાંતથી ભાજપનું શાસન છે. ભાજપના શાસકો ભલે સર્વાંગી વિકાસનો દાવો કરતાં હોય પણ શહેરના અમુક વિસ્તારો એવા છે કે જયાં ગંદકી, પીવાનું પાણી, પાકા રસ્તાઓ સહિતની અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. શહેરના વોર્ડ નંબર 10માં માળખાકીય સુવિધાઓના અભાવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. આ વિસ્તારમાં ફેલાયેલી ગંદકીના કારણે રોગચાળાની ભિતિ સેવાઇ રહી છે પણ પાલિકા તરફથી કોઇ પગલાં ભરવામાં આવતાં નથી. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, પાલિકામાં વારંવાર રજુઆત છતાં કોઇ કામ થતાં નથી. હવે આગામી દિવસોમાં નગરપાલિકાની ચુંટણી આવી રહી છે ત્યારે અમે ઉમેદવારોને સબક શીખવાડીશું તે વાત ચોકકસ છે.

અમારા વિસ્તારમાં રોડની સમસ્યા છે. ઘણા વર્ષથી રસ્તો બનાવવામાં આવતાં નથી. રસ્તા પરથી પસાર થતી વેળા અકસ્માતના બનાવો બની રહયાં છે. જો રસ્તો ના બનાવવાના હોય તો ઉમેદવારોએ અમારા વિસ્તારમાં મત માંગવા આવવું નહી.

સફાઇ સહિતની સુવિધાઓ માટે અમે પાલિકામાં વારંવાર રજુઆત કરવામાં આવે છે પણ કોઇ નિરાકરણ આવતું નથી. અમારા વોર્ડના કાઉન્સીલરના ઘરની સામે સફાઇ થાય છે પણ અમે પછાત વર્ગના હોવાથી અમારા ઘરો પાસે સફાઇ કરવામાં આવતી નથી. તમે અમને મત આપતાં નથી તેમ કહી નગરસેવકો અમારી ઉપેક્ષા કરી રહયાં છે. ઉમેદવારોને અમારી ચીમકી છે કે જો અમારા કામ ન કરવાના હોય તો અમારા વિસ્તારમાં મત માંગવા આવશો નહિ.

Tags:    

Similar News