અંકલેશ્વર : અંદાડા ગામ નજીકથી દેશી તમંચા-જીવતા કારતૂસ સાથે 2 પરપ્રાંતીયોની પોલીસે કરી ધરપકડ...

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમીવાળા બન્ને ઇસમોને પકડી પાડી તેઓ પાસે રહેલ દેશી તમંચો અને 3 જીવતા કારતૂસ કબ્જે કર્યા

Update: 2023-11-24 11:31 GMT

ભરૂચ SOG પોલીસે અંકલેશ્વરના અંદાડા ગામના વાઘીવાડ રોડ પર આવેલ હેપ્પી રેસીડેન્સી પાસેથી દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે 2 પરપ્રાંતીય ઇસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જીલ્લામાં ચોરી, ચીલઝડપ જેવા ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

તેવામાં ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારનો ગંભીર ગુનામાં ઉપયોગ થવાના બનાવો નહીં બને અને ગુનેગારોને ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા સહિત ગુનાખોરીને ડામવા ભરૂચ SOG પોલીસનો સ્ટાફ ATS ચાર્ટરની કામગીરી હેઠળ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો.

તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વરના અંદાડા ગામના વાઘીવાડ રોડ પર આવેલ હેપ્પી રેસીડેન્સી પાસે 2 ઇસમો દેશી તમંચો અને કારતૂસ સાથે ફરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમીવાળા બન્ને ઇસમોને પકડી પાડી તેઓ પાસે રહેલ દેશી તમંચો અને 3 જીવતા કારતૂસ કબ્જે કર્યા હતા. પોલીસે હથિયાર તેમજ બાઇક મળી કુલ રૂપિયા 50 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે મૂળ મધ્ય પ્રદેશ અને હાલ હેપ્પી રેસીડેન્સીમાં રહેતા દુર્ગસિંહ ઉર્ફે બબલુસિંહ જગમોહનસિંહ ભદોરિયા અને ટીકેન્દ્ર ઉર્ફે લક્ષ્મણ રૂદ્રપ્રતાપસિંહ તોમરની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News