ભરૂચ : ઉત્તરાયણ પૂર્વે બજારોમાં પતંગ-દોરીની ખરીદી કરવા ગ્રાહકોની પડાપડી…

તા. 14 અને 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

Update: 2024-01-13 11:06 GMT

તા. 14 અને 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે મંદ પડેલા પતંગ બજારોમાં ઉતરાયણ પૂર્વે ગ્રાહકો પતંગ-દોરીની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.

હિન્દુ ધર્મમાં દરેક તહેવારોનું આગવું મહત્વ રહેલું છે, ત્યારે નાના ભુલકાઓથી લઈ યુવાનો અને મોટેરાઓનો મનગમતો તહેવાર એટલે ઉતરાયણ. આ પર્વની લોકો ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. ઉતરાયણના તહેવારમાં ભરૂચ જિલ્લાની શોખીન પ્રીય જનતા લાખોની કિંમતના પતંગ અને દોરાની ખરીદી કરી રહ્યાં છે. આ બાબતે પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા અને વર્ષો જુના વેપારી આકાશ પતંગ માર્ટના અયુબભાઈએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે દોરા અને પતંગમાં અંદાજે 15થી 20% જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ભાવમાં વધારો ઝીંકાતા ખરીદી ઉપર પણ અસર પડી છે.

જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળેલી સ્થિતિ પ્રમાણે ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વર્ષની ઉત્તરાયણ ભરૂચિઓ માટે મોંઘી છે. મોંઘા ભાવે પણ ભરૂચ જિલ્લાવાસીઓ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરવા થનગની રહી છે. પતંગ રસિયાયોએ અવનવા પતંગ, દોરી, ટોપી અને ખાસ કરીને તાપથી બચવા માટે ચશ્માની પણ ખરીદી કરી લીધી છે, ત્યારે ઉત્તરાયણ નિમિત્તે છેલ્લા 3-4 દિવસ બજારમાં ઘરાકીમાં વધારો જોવા મળી રહ્યો છે. જે વેપારીઓ માટે ખુશીની વાત છે. આ સાથે જ પતંગના દોરાથી કોઈ પક્ષીને ઇજા કે, તેનું મૃત્યુ ન થાય તે બાબતે પણ પતંગ રસિકોએ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. આપણાં ઉમંગ અને ઉત્સાહ માટે અન્યનો જીવ ન જોખમાય તે અંગે તકેદારી સાથે લોકોને ઉત્તરાયણની મજા માણવા કનેક્ટ ગુજરાત દ્વારા અપીલ કરવામાં આવે છે.

Tags:    

Similar News