ભરૂચ : ટંકારીયામાં દુકાન ભડકે બળી, ગામ નજીક ફાયર સ્ટેશન ઊભું કરાય તેવી પ્રબળ માંગ...

ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામના મુખ્ય બજારમાં આવેલી કપડાની દુકાનમાં સવારના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી

Update: 2022-03-21 13:00 GMT

ભરૂચ જિલ્લાના ટંકારીયા બજારમાં આવેલ કપડાંની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ આકસ્મિક ઘટનાનોને પહોચી વળવા પાલેજ અથવા ટંકારીયા નજીક ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામના મુખ્ય બજારમાં આવેલી કપડાની દુકાનમાં સવારના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે દુકાનમાં આગ લાગતાની સાથે જ આસપાસના લોકોમાં અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. દુકાનમાં રહેલ કાપડના જથ્થાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લોકોના જીવ ટાળવે ચોંટી ગયા હતા.

જોકે, ગામના મુખ્ય બજારમાં આવેલી કપડાની દુકાનમાં આગ લાગતાં સ્થાનિકોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સ્થાનિકોએ ખુદ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગને કાબુમાં આવતા અઢી કલાક જેટલો સમય લાગ્યો હતો. આગમાં અંદાજિત 10થી 12 લાખનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

તો બીજી તરફ, ભરૂચથી ટંકારીયા લગભગ 20 કિલોમીટર દૂર છે, ત્યારે નગરપાલિકાના ફાયર ફાઇટરને આવતા વિલંબ થતો હોય છે. જોકે, પાલેજ અથવા ટંકારીયા નજીક ફાયર સ્ટેશનની સુવિધા ઊભી કરવામાં આવે તો બનતી આકસ્મિક ઘટનાઓને પહોચી વળવા વિલંબ થશે નહીં, ત્યારે હવે આ મામલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુવિધા ઊભી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.

Tags:    

Similar News