હીટ એન્ડ રન : ભરૂચ આમોદના સરભાણ ગામ નજીક બાઈક સવાર માતા પુત્રને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારી ફંગોળ્યા માતાનું મોત

અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર માતા અને પુત્ર માર્ગ પર પટકાયા હતા.જેમાં માતા નસીમબેન શોકત સૈયદને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી

Update: 2024-02-15 14:30 GMT

ભરૂચ જિલ્લાના અમોદના સરભાણ માર્ગ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં લગ્ન પ્રસંગ પતાવી પુત્ર અને માતા ઘરે ફરી રહ્યા હતા તે દરમિયાન સરભાણ ગામ નજીક અજાણ્યા કાર ચાલકે બાઇક સવાર માતા- પુત્રને અડફેટે લઈ ફરાર થાય ગયો હતો અકસ્માતમાં મહિલાનું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું છે.

મળતી માહિતી અનુસાર પાલેજ ખાતે રહેતા મોહમ્મદશહદ શોકત સયદુમિયા સૈયદ 14 ફેબ્રુઆરીના રોજ પોતાની માતા નસીમબેન શોકત સૈયદનાઓ સાથે મોટરસાયકલ લઈને ડાભા તેમના મામાના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા. તેઓ રાત્રીના ત્યાં જ રોકાઈ આજે બપોરના પરત ઘરે આવવા માટે નીકળ્યા હતા. તેઓ આમોદ શમા ચોકડીથી સરભાણ ગામ તરફથી પાલેજ જવાના માર્ગ પર પહોંચતા જ પાછળથી એક ફોરવ્હીલ ગાડીના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ગાડી હંકારી લાવી અકસ્માત સર્જી ગાડી લઈને ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર માતા અને પુત્ર માર્ગ પર પટકાયા હતા.જેમાં માતા નસીમબેન શોકત સૈયદને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા બેભાન થઈ ગયા હતા જ્યારે પુત્ર મોહમ્મદશહદ શોકત સયદુમિયા સૈયદને શરીર પર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ એક રાહદારી બંનેને સારવાર હેઠળ આમોદની સરકારી દવાખાને લઈ ગયા હતા.જ્યાં હાજર તબીબે નસીમબેનને મૃત જાહેર કર્યા હતા.આ મામલે મોહમ્મદશહદ શોકત સયદુમિયા સૈયદે આમોદ પોલીસ મથકમાં ફરાર કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Tags:    

Similar News