રાજપીપળા : એસટી બસમાંથી 19 લાખ રૂા.ના હીરાની ચોરી કરનારા તસ્કરો ઝડપાયાં

આંગડીયા પેઢીના હિરાના પાર્સલોની થઇ હતી ચોરી, છોટાઉદેપુરથી બિલીમોરા જઇ રહી હતી એસટી બસ.

Update: 2021-08-06 12:56 GMT

નર્મદા જિલ્લા એલસીબીએ રાજપીપળા ડેપોમાંથી 19 લાખ રૂપિયાના હીરાના પાર્સલની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ તસ્કરોને ઝડપી પાડયાં છે.

તારીખ ત્રીજી ઓગષ્ટના રોજ રાજપીપળા બસ ડેપો ખાતે છોટાઉદેપુરથી બિલિમોરા જઇ રહેલી એસટી બસમાંથી આંગડીયા પેઢીના 19 લાખ રૂપિયાની કિમંતના હીરા ભરેલા પાર્સલની ચોરી થઇ હતી. આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા એસપી હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ એ.એમ.પટેલ તથા તેમની ટીમ કામે લાગી હતી. એલસીબીની ટીમે શહેરમાં લાગેલાં સીસીટીવી કેમેરાઓના ફુટેજની તપાસ હાથ ધરી હતી જેમાં બે યુવાનો મોટો થેલો લઇને એસટી ડેપોની બહાર નીકળતાં જોવા મળ્યાં હતાં.

સીસીટીવીના ફુટેજ તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે નર્મદા એલસીબીની ટીમે બોડેલીના ફુલચંદ રમણ પટેલ, માણસાના વિહારના વર્ષેશ રમણ પટેલ અને અમદાવાદના મહેન્દ્ર શેળકેને ઝડપી પાડયાં છે. ત્રણેય આરોપીઓએ એક સાથે લાખો રૂપિયા મળવાની લાલચમાં આંગડીયા પેઢીના કર્મચારીની રેકી કરી હતી અને તારીખ 3 ઓગષ્ટના રોજ ગુનાને અંજામ આપ્યો હતો. આરોપીઓના રહેણાંક સ્થળોએ તપાસ કરવામાં આવતાં ચોરીમાં ગયેલાં હીરાના પાર્સલ, એક કાર તથા મોબાઇલ ફોન મળી આવ્યાં હતાં. ફુલચંદ અને વર્ષેશ સગા ભાઇઓ છે અને બોડેલીમાં આંગડીયા પેઢી ચલાવે છે જયારે મહેન્દ્ર શેળકે અમદાવાદમાં ગેરેજ ચલાવે છે.

Tags:    

Similar News