અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત PM મોદીએ ભરૂચ-અંકલેશ્વરના વિકાસ કાર્યનું કર્યું વર્ચ્યુઅલ લોકાર્પણ-ખાતમુહૂર્ત...

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલ્વે સ્ટેશનનો પુન: વિકાસ તેમજ 1500 રોડ ઓવર બ્રિજ અને અંડર પાસનું PM મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમહુર્ત કર્યું હતું.

Update: 2024-02-26 09:48 GMT

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલ્વે સ્ટેશનનો પુન: વિકાસ તેમજ 1500 રોડ ઓવર બ્રિજ અને અંડર પાસનું PM મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમહુર્ત કર્યું હતું. જેમાં ભરૂચના ચાવજ અને વરેડીયા અંડરપાસનું લોકાર્પણ તેમજ અંકલેશ્વર રેલ્વે સ્ટેશનના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના 554 જેટલા રેલ્વે સ્ટેશનનો પુન: વિકાસ કરવામાં આવનાર છે. આ સાથે જ 1500 રોડ ઓવર બ્રિજ અને અંડરપાસનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમહુર્ત કર્યું હતું. ભરૂચના ચાવજ અને વરેડિયા ગામ નજીક કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અંડરપાસનું લોકાર્પણ કરતો કાર્યક્રમ ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે યોજાયો હતો. આ બન્ને અંડરપાસ બનવાથી અનેક વાહનચાલકોને મોટો ફાયદો થયો છે. જેમાં હવે વાહનચાલકોને ટ્રાફિકજામની પરિસ્થિતીમાંથી છુટકારો તેમજ સમય સાથે ઈંધણ પણ બચશે, જેથી વાહનચાલકોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, ચાવજ ગામના સરપંચ ભાવેશ પટેલ, ડેપ્યુટી સરપંચ, રેલ્વે વિભાગના અધિકારી નીતિન બન્સલ સહિતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચના ચાવજ અને વરેડિયા અંડરપાસ ઉપરાંત અંકલેશ્વર રેલ્વે સ્ટેશનના નવીનીકરણ માટે રૂ. 38 કરોડના ખર્ચે થનારી કામગીરીનું પણ ખાતમુહૂર્ત PM મોદીએ વર્ચ્યુઅલી કર્યું હતું, જ્યાં આવનારા દિવસોમાં અધ્યતન સુવિધાઓ સાથે અંકલેશ્વર રેલ્વે સ્ટેશનના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ પ્રાંત અધિકારી એન.આર.ધાંધલ, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત રેલ્વે વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News