ભાવનગર : ઝાડ સાથે ટ્રક ધડાકાભેર ભટકાતાં ઝાડ મૂળમાંથી બહાર નિકળ્યું, અન્ય અકસ્માતનો પણ બન્યો બનાવ

Update: 2020-02-22 09:29 GMT

ભાવનગર શહેરમાં મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે શહેરના બે અલગ અલગ વિસ્તારમાં વાહન દુર્ઘટના સર્જાવા પામી છે. જેમાં રિંગ રોડ પર એક્ટિવા અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જ્યારે સંસ્કાર મંડલ રોડ પર એક ટ્રક ઝાડ સાથે ભટકાતાં મોટી દુર્ઘટના ટળી હતી.

ભાવનગરમાં રિંગ રોડ પર સવારથી જ મનપા દ્વારા માર્ગ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેને લઈને કેટલાક વિસ્તારોમાં ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે, ત્યારે રિંગ રોડ પરથી આઇસર ટેમ્પો જવેલર્સ સર્કલ તરફ જતો હતો તે દરમ્યાન સામેથી આવતા એક્ટિવા ચાલક સાથે અથડાયો હતો. જે ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થવા પામ્યો હતો. ઉપરાંત શહેરના સંસ્કાર મંડળ રોડ પર એક ટ્રક ધડાકાભેર ઝાડ સાથે ભટકાતાં ઝાડ મૂળ સાથે બહાર નીકળી ગયું હતું. જેમાં એક ફોરવ્હીલ કારને પણ નુકશાન થવા પામ્યું હતું. બન્ને અકસ્માતની દુર્ઘટના વેળા સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. સમગ્ર બનાવની જાણ પોલીસને કરાતા તાત્કાલિક પોલીસે દોડી આવી માર્ગ પર થયેલ ટ્રાફિક જામને હળવો કર્યો હતો.

Similar News