બિહાર: તેજસ્વી યાદવે માતા અને મોટા ભાઈના આશીર્વાદ લઈને ઉમેદવારી પત્ર ભર્યું, બિહાર માટે લીધા સોગંદ

Update: 2020-10-14 08:46 GMT

બિહાર વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે આજે મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને આરજેડીના પ્રમુખ તેજસ્વી યાદવે માતા રાબડી દેવી અને ભાઈ તેજપ્રતાપ યાદવના આશીર્વાદ મેળવી વૈશાલીની રાઘોપુર બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું.

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે રાજ્યમાં રાજકીય હલચલ ચરમ પર છે અને નેતાઓના ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. બિહારના વિપક્ષી નેતા અને લાલુ યાદવની રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ની લગામ સંભાળનારા તેમના નાના પુત્ર તેજસ્વી યાદવે બુધવારે વૈશાલીની રાઘોપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી.

ઉમેદવારી પત્ર ભરવા માટે જતા પહેલાં તેજસ્વી યાદવે તેની માતા અને પૂર્વ મુખ્યમંત્રી રાબરી દેવીના ચરણ સ્પર્શ કર્યા હતા અને તેમના હાથે દહીં અને ખાંડ ખાઈને નીકળ્યા હતા. એટલું જ નહીં, તેમણે તેમના મોટા ભાઈ અને સમસ્તીપુરની હસનપુર બેઠકના ઉમેદવાર તેજ પ્રતાપ યાદવનો આશીર્વાદ પણ લીધો હતો.

નામાંકન માટે રવાના થતાં પહેલાં તેજસ્વી યાદવે બિહાર પ્રત્યે લીધેલી પ્રતિજ્ઞાને પણ ટ્વિટર પર પુનરાવર્તિત કરી હતી. ફોટાઓ શેર કરતી વખતે તેમણે લખ્યું, 'મેં વચન આપ્યું છે કે હું હંમેશાં બિહારના હિતમાં કામ કરીશ. જ્યાં સુધી મને દરેક બિહારીઓનો હક નહીં મળે ત્યાં સુધી હું શાંતિથી બેસવાનો નથી. '

તેમણે આગળ લખ્યું કે, 'આ સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે હું આજે નામાંકન નોંધાવવા જઇ રહ્યો છું. હું પરિવર્તનના આ શંખનાદમાં તમારા સ્નેહ, સમર્થન અને આશીર્વાદની અપેક્ષા કરું છું. લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ સમસ્તીપુરની હસનપુર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે,જ્યારે તેજસ્વી યાદવ રાઘોપુરથી ચૂંટણી લડી રહ્યા છે.

તેજસ્વીના નામાંકન કરવા જતાં પહેલાં તેમની માતા રાબડી દેવીએ કહ્યું હતું કે માત્ર અમારા પરિવાર જ નહીં પરંતુ આખું બિહાર અને પાર્ટી પણ લાલુ જીને યાદ કરી રહ્યા છે. આ દરમિયાન લાલુ યાદવની તસવીર રાબડી દેવીના હાથમાં જોવા મળી હતી.

Tags:    

Similar News