“કોવાક્સિન” : ગુજરાતમાં એક દિવસમાં 16 લાખ લોકોને અપાશે કોરોના વેક્સિન, આરોગ્ય વિભાગે આપી માહિતી

Update: 2020-12-29 08:08 GMT

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે, ત્યારે હવે રસીકરણની પણ તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. રાજ્યમાં આવનારા સમયમાં કેવી રીતે રસીકરણ કરાશે તે અંગે આરોગ્ય વિભાગે સંપૂર્ણ માહિતી આપી છે. જેમાં કોવિડ-19ની રસી ટૂંક સમયમાં લોકોને ઉપલબ્ધ થઈ જશે અને એક દિવસમાં લગભગ 16 લાખ લોકોને કોરોના વેક્સિન આપવા અંગેની પણ તૈયારી દર્શાવાઈ રહી છે, ત્યારે આ રસીકરણ માટે કોઇએ ડર રાખવાની જરૂર નથી તેમજ લોકોએ સહકાર આપવા અંગે પણ સરકારે અપીલ કરી છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં રસીકરણ માટે ટાસ્ક ફોર્સની રચના કરાઇ છે. વેક્સિનેશન માટે તજજ્ઞની નિમણૂંક પણ કરવામાં આવી છે. જેમાં ઇમ્યુનોલોજિસ્ટ ડૉ. સપન પંડ્યા, ચાઇલ્ડ હેલ્થ ફાઉન્ડેશનના ડૉ. નવીન ઠક્કર, જામનગર જીજી કોલેજના પ્રોફેસર ભદ્રેશ વ્યાસની નિમણૂંક કરાઇ છે. 1 કરોડ વેક્સિનના ડોઝ સ્ટોર કરવાની સુવિધા છે, ત્યારે જિલ્લા અને કોર્પોરેશનમાં 42 સ્ટોરેજ સેન્ટર ઊભા કરાયા છે. આસામ, આંધ્રપ્રદેશ, પંજાબ અને ગુજરાતમાં ટ્રાયલ રન છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રથમ રસી મેળવનારાઓનો ડેટા તૈયાર કરી લેવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં ફક્ત આરોગ્ય કર્મચારીઓને જ વૅક્સીન આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં કુલ 4.31 લાખ સરકારી અને ખાનગી આરોગ્ય કર્મચારીઓની ગણતરી કરવામાં આવી છે, ત્યારબાદ પ્રથમ હરોળના કોરોના વૉરિયર્સ, ત્યારબાદ 50 વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિઓ અને બાદમાં 50 વર્ષથી નાના પણ ગંભીર રોગથી પીડાતા લોકોને વેક્સિન આપવામાં આવશે. એક દિવસમાં લગભગ 16 લાખ લોકોને કોરોના વેક્સિન આપવા અંગેની પણ તૈયારી દર્શાવાઈ રહી છે. રાજ્યમાં 1.25 કરોડ વેક્સિન સમાવી શકાય તેટલી કોલ્ડ સ્ટોરેજની સુવિધા કરવામાં આવી છે. જોકે સંભવતઃ જાન્યુઆરીમાં ભારતમાં જાહેર રસીકરણ કાર્યક્રમ શરૂ થવાની શક્યતાઓ પણ વર્તાઇ રહી છે.

Tags:    

Similar News