સુરેન્દ્રનગર : માતાજીના વિવિધ સ્વરૂપોની ઝાંખી સાથે ભવાઇની પરંપરાને જાળવી રાખતા ચુલી ગામના યુવાનો

Update: 2021-10-15 09:03 GMT

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના યુવાનોએ નવરાત્રી દરમ્યાન ભવાઇની પરંપરાને આજે પણ જાણવી રાખી છે. સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ચુલી ગામના યુવાનો સતત સેવાકાર્ય કરી રહ્યા છે.

નવરાત્રીમાં લોકો અલગ અલગ રીતે માતાજીની ભક્તિ કરતા હોય છે, ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે છેલ્લા 100 વર્ષ કરતા પણ જૂના અંબિકા ગરબી મંડળના યુવાનો દ્વારા ભવાઈ રમવામાં આવે છે. ચુલી સ્થિત રામજી મંદિરના ચોકમાં ગરબી વેળા યુવાનો માતાજીના જુદા જુદા વેશો રજુ કરે છે. ભવાઈ વેશ દ્વારા માતાજીને પ્રસન્ન કરવા પ્રયત્નો કરવામાં આવે છે. માતાજીના ભક્ત પ્રહલાદ, ભેંસાસુર, શેઠ જગડુશા, ચંડમુંડ ચામુંડા, હરિચંદ્ર તારામતી, મહિસાસુર અને સોનબાઈની ચૂંદડી સહિત જુદા-જુદા વેશો ભજવીને માતાજીની અનોખી રીતે આરાધના કરવામાં આવે છે.

ચુલી ગામે લોકોના મનોરંજન માટે અંબિકા ગરબી મંડળ દ્વારા માતાજીના વિવિધ સ્વરૂપોની ઝાંખી કરાવતાં નાટકો પણ રજૂ કરવામાં આવે છે. જેને નિહાળવા માટે સમસ્ત ગામના લોકો આવતા હોય છે, ત્યારે આજના જમાનામાં શહેરમાં યોજાતી ગરબીની સામે ગામડામાં યોજાતી ગરબી થકી પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે અને આજના યુવાધનને તે અંગે જરૂરી માર્ગદર્શન મળે તે માટે અંબિકા ગરબી મંડળના યુવાનો દ્વારા સતત કાર્યો કરવામાં આવી રહ્યા છે.

Tags:    

Similar News