સુરેન્દ્રનગર : ખારાઘોડા હાઇસ્કુલમાં ધો.11ના વર્ગ શરૂ કરવાની મંજૂરી, વર્ગ શરૂ ન કરાતા વિદ્યાર્થીઓનું ભાવિ રોળાયું

Update: 2021-09-14 11:26 GMT

કોરોનાના પગલે ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાતા અને બીજી બાજુ ખારાઘોડામાં ધો.10 સુધીની જ હાઇસ્કુલ હોવાથી ખારાઘોડામાં ધો.10માં પાસ થયેલા 140 અગરિયા વિદ્યાર્થીઓને ધો.11માં પ્રવેશ ન મળવાનો મુદો પ્રકાશમાં આવ્યો હતો. આથી સુરેન્દ્રનગર જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ અગરિયા વિદ્યાર્થીઓને પાટડી મોડેલ સ્કુલમાં પ્રવેશ આપવાની જાહેરાત કરવાની સાથે ખારાઘોડા હાઇસ્કુલને ધો.11ની પરવાનગી તો આપી હતી, પણ હજી સુધી વર્ગ શરૂ ન કરાતા અગરિયાના વિદ્યાર્થીઓનું ભાવિ રોળાયું હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.

ખારાઘોડાના મીઠા કામદાર અને રણમાં મીઠું પકવતા અગરિયાઓના બાળકોને ધો.11માં ક્યાંય પ્રવેશ ન મળતા આ વિદ્યાર્થીઓનું ભણતર અને ભાવિ રઝળી પડે એવી કફોડી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સુરેન્દ્રનગર જીલ્લા શિક્ષણાધિકારી સહિત લાગતા વળગતા તંત્રને અનેકો રજૂઆત કરાઇ હતી, ત્યારે ગુજરાતના છેવાડાના માનવી ગણાતા એવા રણમાં મીઠું પકવતા અગરિયાઓના બાળકો ધો.11માં પ્રવેશ ન મળતા શિક્ષણથી વંચિત રહેવાનો મુદો બહાર આવ્યો હતો. જેના પડઘારૂપે સૌ પ્રથમ સુરેન્દ્રનગર જીલ્લ‍ા શિક્ષણાધિકારીએ આ તમામ અગરિયા વિદ્યાર્થીઓને પાટડીની મોડેલ સ્કુલમાં પ્રવેશ આપવાની સૂચનાઓ આપી હતી.

બાદમાં ખારાઘોડાની સ્થાનિક કે.જી.એસ.હાઇસ્કુલને ધો.11નો વર્ગ શરૂ કરવાની પરવાનગી પણ આપી હતી. અગરિયા અને મીઠા કામદારના 70 જેટલા વિદ્યાર્થીઓને ખારાઘોડા હાઇસ્કુલમાં ધો.11માં પ્રવેશ આપવામાં આવ્યો હતો, ત્યારે બાકીના પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓનું નામ વેઇટીંગ લિસ્ટમાં રાખવામાં આવ્યું હતુ. પરંતુ એ વાતને પણ 2 મહિના જેટલો સમય વિતવા છતાં ખારાઘોડા હાઇસ્કુલમાં ધો.11નો નવો વર્ગ શરૂ ન કરાતા છેવાડાના માનવી ગણાતા એવા અગરિયા અને મીઠું પકવતા કામદારોના બાળકોનું ભાવિ રોળાયું હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.

Tags:    

Similar News