GST કાઉન્સિલનો નિર્ણય : ટીવી-ટાયર-સિનેમા ટિકિટ પર ટેકસ સ્લેબ ઘટ્યો

Update: 2018-12-22 11:41 GMT

સિમેન્ટ-ઓટો પાર્ટસમાં કોઈ ફેરફાર નહીઃ જેટલી

વિમાનથી ધાર્મિક યાત્રા કરવી સરળ થશે

જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણાં મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે ૨૮ ટકા ટેકસ સ્લેબમાં હવે માત્ર ૨૮ વસ્તુઓ જ છે. આ તમામ આઈટમ્સ લક્ઝરીયસ છે. તેમણે જણાવ્યું કે ટીવી, ટાયર, મોબાઈલ, બેટરી, વિડિયો ગેમને ૨૮ ટકા ટેકસ સ્લેબમાંથી ૧૮ ટકા ટેકસ સ્લેબમાં લાવવામાં આવી છે. વિમાનમાં ધાર્મિક યાત્રાઓ પર પહેલા ૧૮ ટકા ટેકસ લાગતો હતો. પરંતુ હવે સામાન્ય ટેક્સની જેમ એટલે કે ઈકોનોમી કલાસ માટે 5 ટકા અને બિઝનેસ કલાસ માટે ૧૨ ટકા ટેકસ લાગશે.

જેટલીએ જણાવ્યું કે કાઉન્સિલની બેઠકમાં ૩૩ વસ્તુઓ પર જીએસટી ઘટાડવા પર સહમતિ બની. ૨૮ ટકા ટેકસ સ્લેબમાંથી ૬ વસ્તુઓ બહાર કરવામાં આવી છે. ૧૮ ટકા ટેકસ સ્લેબમાંથી ૨૬ વસ્તુઓને હટાવીને તેનો ટેકસ સ્લેબ ૧૨ ટકા કે ૫ ટકા કરવામાં આવ્યો છે.

જેટલીએ કહ્યું કે ૧૦૦ રૂપિયા સુધીની સિનેમા ટિકિટ પર જીએસટી ૧૮ટકામાંથી ઘટાડીને ૧૨ ટકા કરવામાં આવ્યો છે. જયારે ૧૦૦ રૂપિયાથી વધુની ટિકિટ પર જીએસટી ૨૮ ટકામાંથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે.સિમેન્ટ અને ઓટો પાર્ટસ પરના જીએસટી દરોમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. બેન્ક તરફથી જન-ધન એકાઉન્ટ હોલ્ડર્સને જે સેવાઓ આપવામાં આવે છે તેને જીએસટીમાંથી બહાર રાખવામાં આવી છે. ૨૮ ટકા ટેકસ સ્લેબમાં આવનારી ૬ વસ્તુઓના દર ઘટાડવામાં આવ્યા છે રિયલ એસ્ટેટ સેકટરમાં જીએસટી અંગેનો નિર્ણય કાઉન્સિલની અગામી બેઠકમાં કરવામાં આવશે. તમામનું માનવું છે કે આ ક્ષેત્રમાં કઈંક ફેરફાર થવો જોઈએ.

જુલાઈ ૨૦૧૭થી જયારે જીએસટી લાગુ થયો ત્યારે ૨૮ ટકા ટેક્સ સ્લેબમાં ૨૨૬ વસ્તુઓ હતી. દોઢ વર્ષમાં તેમાંથી ૧૯૨ વસ્તુઓ પર ટેકસ ઘટાડવામાં આવ્યો છે. હાલ ૨૮ ટકા જીએસટી સ્લેબમાં ૩૪ વસ્તુઓ છે. તેમાં સિમેન્ટ સિવાય વાહન, ઓટોમોબાઈલ પાર્ટસ, ટાયર, યાટ, એરક્રાફટ, કોલ્ડ ડ્રિન્કસ, તમાકું, સિગરેટ અને પાન મસાલા જેવી વસ્તુઓ સામેલ છે.

Similar News