આણંદ : તારાપુરની એમજીવીસીએલ કચેરીના નાયબ ઇજનેર 60 હજાર રૂા.ની લાંચ લેતા ઝડપાયાં

નાયબ ઇજનેર દિલીપ વસૈયાને 60 હજાર રુપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.

Update: 2021-12-04 11:56 GMT

આણંદના તારાપુર ખાતે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપનીના વર્ગ -1ના નાયબ ઇજનેર ખેતી વિષયક જોડાણ આપવા માટે ખેડુત પાસેથી 60 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. એસીબી કચેરી તરફથી મળતી માહિતી અનુસાર આ ગુનાના કામે ફરીયાદી તારાપુર તાલુકાના વલ્લી ગામે જમીન ભાડે રાખી કમળની ખેતી કરતા હતાં. જેથી ખેતી વિષયક વીજ કનેકશન મેળવવા માટે તારાપુર ખાતે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરીમાં અરજી કરી હતી. તેમની અરજીના સંદર્ભમાં વર્ગ -1ના કર્મચારી અને નાયબ ઇજનેર દિલીપ વસૈયાએ સ્થળ મુલાકાત કરી હતી. તેમણે આ જમીનમાં કોઇ પણ પ્રકારનુ ખેતીકામ થતુ નથી તેમજ આ જમીનમાં કમળના ઉત્પાદન માટે તલાવડી બનાવવામાં આવેલ છે . જેથી ખેતી વિષયક વીજ જોડાણ ના મળી શકે તેવી નોટીસ આપી હતી. આ નોટીસના સંદર્ભમાં ફરિયાદી નાયબ ઇજનેર વસૈયાને મળ્યાં હતાં. નાયબ ઇજનેરે વીજ જોડાણ જોઇતું હોય તો મને 2 લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું. આખરે 60 હજાર રૂપિયામાં સોદો નકકી થયો હતો. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે તારાપુરની કચેરીમાં છટકું ગોઠવી નાયબ ઇજનેર દિલીપ વસૈયાને 60 હજાર રુપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. આણંદ એસીબીના ઇન્સપેકટર જે.આઇ.પટેલે ટ્રેપ ગોઠવી હતી.

Tags:    

Similar News