ભાવનગર : "હેન્ડ વોશિંગ ડે", સરકારી-ખાનગી શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ હેન્ડ વોશિંગ ટેકનિકનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું

ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં તા. ૧થી ૧૫ એપ્રિલ, ૨૦૨૨ સુધી સ્વચ્છતા સૌનો વ્યવસાય સુત્ર અમલીકૃત થાય એ હેતુથી સ્વચ્છતા પખવાડિયું-૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લાના આરોગ્ય કેન્દ્રો અને સરકાર હસ્તકની હોસ્પિટલોમાં સ્વચ્છતાને અગ્રીમતા આપી સ્વચ્છતાને અમલમાં મૂકવા માટે જુદી-જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે

Update: 2022-04-04 14:20 GMT

ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં તા. ૧થી ૧૫ એપ્રિલ, ૨૦૨૨ સુધી સ્વચ્છતા સૌનો વ્યવસાય સુત્ર અમલીકૃત થાય એ હેતુથી સ્વચ્છતા પખવાડિયું-૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લાના આરોગ્ય કેન્દ્રો અને સરકાર હસ્તકની હોસ્પિટલોમાં સ્વચ્છતાને અગ્રીમતા આપી સ્વચ્છતાને અમલમાં મૂકવા માટે જુદી-જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજ રોજ જિલ્લાની ૨૦૦ કરતાં વધુ સરકારી અને ખાનગી શાળામાં હેન્ડ વોશિંગ ટેકનિકનું ૧૬ હજાર વિદ્યાર્થીઓ સમક્ષ પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ અધિકારીના માર્ગદર્શન નીચે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમના તબીબો અને મેડિકલ ઓફિસરો (આયુષ) દ્વારા જિલ્લાની ૨૦૦ કરતાં વધુ સરકારી અને ખાનગી શાળામાં હાથ ધોવાની ૬ તબક્કાઓની વૈજ્ઞાનિક પદ્ધતિનું નિદર્શન કરી સમજ આપવામાં આવી હતી અને આરોગ્યની દ્રષ્ટિએ તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. નાના બાળકો ખાસ કરીને વિદ્યાર્થીઓને હાથ ધોવા વિશેની પૂરતી જાણકારી ન હોવાને કારણે હાથમાં લાગેલાં જીવાણુ અને સૂક્ષ્મ જંતુઓ મોં વાટે સીધેસીધા હાથ દ્વારા પેટમાં જાય છે અને તેને લીધે બાળકોમાં જાતજાતના વાયરસને કારણે ભાતભાતના રોગ થતાં હોય છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે. તાવિયાડે આ અંગે જણાવ્યું કે, હાથ ધોવાની સ્વચ્છતાને પ્રાધાન્ય આપવાથી વિવિધ ચેપમાંથી મુક્તિ મળશે અને તંદુરસ્ત વાતાવરણનું સર્જન થશે. જિલ્લામાં આરોગ્યની વિવિધ ટીમો બનાવીને જિલ્લાની વિવિધ શાળાઓમાં હેન્ડ વોશિંગ અંગેની જાણકારી આપવામાં આવી રહી છે.


Tags:    

Similar News