ભાવનગર : સોમનાથ નેશનલ હાઇવેને જોડતો એક માત્ર બાયપાસ માર્ગ અતિબિસ્માર…

ભાવનગર શહેરના મુખ્ય પ્રવેશદ્વાર નારી ચોકડીથી સોમનાથ નેશનલ હાઇવેને જોડતો ચાર માર્ગીય બાયપાસ રસ્તો અતિબિસ્માર બન્યો છે

Update: 2021-10-25 04:36 GMT

ભાવનગર શહેરના મુખ્ય પ્રવેશદ્વાર નારી ચોકડીથી સોમનાથ નેશનલ હાઇવેને જોડતો ચાર માર્ગીય બાયપાસ રસ્તો અતિબિસ્માર બન્યો છે, ત્યારે માર્ગના નવિનીકરણની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

ગુજરાત અને બહારના રાજ્યોમાંથી અલંગ, મહુવા, રાજુલા, પીપાવાવ અને સોમનાથ સુધી જવા માટે મુખ્ય હાઇવેને જોડતો બાયપાસ નેશનલ હાઇવે તદ્દન ખરાબ હાલતમાં છે. લોકો રોડની અવદશા જોઈને ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. અનેક લોકોને માત્ર આ રોડ પરથી જ ફરજિયાત પસાર થવું પડતું હોવાથી વાહનોમાં મોટું નુકશાન પણ થઈ રહ્યું છે, ત્યારે ભાવનગર જિલ્લામાં રોડની ખરાબ હાલતના કારણે લોકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. રોડ પર રીપેરીંગના બહાને ખાડા પુરવા માત્ર મોટા મોટા પત્થરો ઠાલવી તંત્ર સંતોષ માની લે છે અને તેના પરથી વાહનો પસાર થતા થોડા દિવસમાં જ ત્યાં ફરી ખાડા પડી જાય છે, જેથી પરિસ્થિતિ એવીને એવી જ રહે છે. ભાવનગરના મુખ્ય પ્રવેશદ્વાર એવા નારી ચોકડી બાયપાસ રોડની હાલત અતિ દયનીય બની છે. ડામર રોડ ધોવાઈ જતા માત્ર ખાડા નજરે પડે છે, ત્યારે અન્ય જિલ્લાઓમાંથી આવતા લોકોને રસ્તાની ખરાબ હાલત જોઈને જ ખબર પડી જાય કે, તેઓ ભાવનગર આવી પહોંચ્યા છે.

ભાવનગરની નારી ચોકડીથી સોમનાથ હાઇવેને જોડતા બાયપાસ રસ્તાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે, હવે રોડની જગ્યા પર માત્ર ખાડા અને પત્થરો દેખાઈ રહ્યા છે. આ માર્ગ પરથી હજારોની સંખ્યામાં વાહનો અને માલવાહક ટ્રકો પસાર થતા સતત ધૂળની ડમરીઓ ઊડતી રહે છે. જેના કારણે વિઝીબિલિટી ઘટી જતાં અકસ્માતનો પણ ભય કાયમ રહે છે. જોકે, ધૂળની ડમરી ઉડવાના કારણે સ્થાનિક વિસ્તારના રહીશો પણ પરેશાની ભોગવી રહ્યા છે. રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત અને અન્ય જિલ્લાઓમાંથી આવતા હજારો વાહનો અલંગ, મહુવા, રાજુલા, પીપાવાવ અને સોમનાથ સુધી જવા માટે આ એક માત્ર આ બાયપાસ રોડ પરથી જ પસાર થાય છે, ત્યારે રસ્તાની ખરાબ હાલતના કારણે વાહનોમાં નુકશાન થતું હોવાથી વાહન ચાલકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. જેથી હવે આ બિસ્માર માર્ગનું ઝડપથી સમારકામ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

Tags:    

Similar News