ચોટીલા : ઢોકળવા ગામે પતિએ પત્નીની હત્યા કરી લાશને દાટી દીધી, 40 દિવસ પછી લાશ મળી

વિંછીયાના દલડી ગામની પરણીતા ૪૦ દિવસથી ગુમ હતી તેમહિલાની લાશ ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની સીમમાં દાટેલી હાલતમાં મળી આવી હતી.

Update: 2022-07-05 16:20 GMT

વિંછીયાના દલડી ગામની પરણીતા ૪૦ દિવસથી ગુમ હતી. તે મહિલાની લાશ ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની સીમમાં દાટેલી હાલતમાં મળી આવી હતી. મહિલાની હત્યા તેન પતિએ જ કરી હોવાની વિગતો બહાર આવતા પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

વીંછીયા તાલુકાના દલડી ગામના વિલાસબેન રાજેશભાઇ ગત તારીખ ૩૧ મે ના રોજ ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હોવાની ફરીયાદ તેના પતિ રાજેશે વીંછીયા પોલીસ મથકે કરી હતી.પરંતુ વિલાસબેનના માતા પિતાને કાંઇક અજુગતુ બન્યાની આશંકા હોવાથી દિકરીની ભાળ મેળવવા તેમણે વીંછીયા પોલીસ મથકે અનેકવાર રજૂઆત કરી હતી. પરંતુ વીંછીયા પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા અંતે બે દિવસ પહેલા પરિવારજનોએ પોલીસ મથક સામે આમરણાંત ઉપવાસ આંદોલન કરતા વીંછીયા પોલીસ હરકતમાં આવી હતી.  વિલાસબેનના પતિ રાજેશની આકરી પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે જ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. વિલાસબેન તેમના બહેનને મળવા જઇ રહ્યાં હતા તે દરમિયાન ઢોકળવા ગામની સીમમાં કેબલવડે ગળે ટુંપો આપી લાશને પથ્થરોની ભેખડ નીચે દાટી દીધી હતી. પોલીસે હત્યારા પતિ રાજેશને સાથે રાખી લાશને બહાર કાઢતા લાશ કોહવાયેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આરોપી રાજેશની વધુ પુછપરછ હાથ ધરી છે.

Tags:    

Similar News