ગાંધીનગર: સફેદ સેન્ટ્રો કારના આધારે તરછોડાયેલા બાળકના પિતાની થઇ ઓળખ

Update: 2021-10-09 15:53 GMT

ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળા નજીક રાતના સમયે દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની ઘટનાને પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો. બાળકના પિતાનું નામ સચિન દિક્ષિત હોવાનું બહાર આવ્યું છે. સફેદ કારના આધારે પિતાની ઓળખ કરાઈ છે. એક સફેદ સેન્ટ્રો કારમાં બાળક મુકવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

માસૂમ સ્મિતના પિતા અંગે જાણવા મળતી વિગતો અનુસાર, બાળકના પિતા સચિન દિક્ષિત મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને ગાંધીનગરમાં ડી-35, સેક્ટર-26માં ગ્રીનસિટી સોસાયટી રહે છે. તે વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. બાળકને તરછોડ્યા બાદ તે રાજસ્થાન તરફ ભાગી ગયો હતો અને પોલીસે તેની રાજસ્થાનના કોટામાંથી ઝડપ્યો છે. હાલ તેના ઘરે કોઇ ન હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છેકે, વાલી-વારસોને શોધવા માટે પોલીસની 8 ટીમ તૈયાર કરાઈ હતી, જેમાં એલ.સી.બી અને એસ.ઓ.જી.ની 4 ટીમ તથા 2 ટીમ મહિલા પોલીસ અને 2 સ્થાનિક પોલીસની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે, આ દિક્ષિત દંપતી સેક્ટર 26માં આવેલી ગ્રીનસિટી સોસાયટીમાં સંયુક્ત પરિવારમાં રહે છે અને બાળકને તરછોડ્યા બાદ પરિવારના ચાર સભ્યો ઘરે તાળું મારીને જતાં રહ્યાં હતાં. પોલીસને પ્રાથમિક વિગતો મળ્યા બાદ ત્યાં પૂછપરછ માટે પહોંચી હતી, પરંતુ પાડોસીઓ તરફથી પણ પોલીસને સંતોષજનક જવાબ મળ્યો ન હતો.

જોકે, દંપતી અંગે હાલ પોલીસ દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે મળેલી વિગતો અનુસાર એસઓજી પીઆઇ સચિન પવાર આ કેસની તપાસ કરી રહ્યાં છે. બાળકને તરછોડનારને પકડવા માટે પોલીસે 100થી વધુ ફૂટેજ ચેક કર્યા હતા. કાર ઘરેથી મળી આવી હતી. દંપતીને ગાંધીનગર લાવવામાં આવ્યા બાદ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડાના સુપરવિઝન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાંચના એચ પી ઝાલા, જે એચ સિંધવ, SOG પીઆઈ સચિન પવાર, સહિતની ટીમની સરાહનીય કામગીરી કરી છે.

Tags:    

Similar News