ગીર સોમનાથ : ખેડૂતોને પાક વીમા ચુકવણી સામે એકબીજા પર "ખો" આપતી રાજ્ય સરકાર અને વીમા કંપની..!

પાક વીમા માટે ખેડૂતોના છેલ્લા 3 વર્ષથી છે વલખાં, વીમા કંપની દ્વારા પ્રીમિયમ પેટે કરોડો વસુલ કરાયા.

Update: 2021-07-21 07:26 GMT

ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પાક વીમા માટે છેલ્લા 3 વર્ષથી વલખાં મારી રહ્યા છે. પાક વીમા કંપની દ્વારા ગીર સોમનાથ જિલ્લાના 15000થી વધુ ખેડૂતો પાસેથી પ્રીમિયમ પેટે રૂપિયા 3 કરોડથી વધુ રકમ વસુલ કરવામાં આવી છે, ત્યારે રાજ્ય સરકાર અને વીમા કંપની એકબીજા પર ખો આપવાના કારણે ખેડૂતોના હાલ બેહાલ બન્યા છે.

આ દ્રશ્યો છે, ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2019માં વરસાદે સર્જેલી તારાજીના... સતત વરસાદના કારણે ખેડૂતોના મગફળી અને બાજરી સહીતના પાક તબાહ થયા હતા. જોકે, સરકારે ખેડૂતોને વળતર ચુકવણીની જાહેરાત કરી હતી, પરંતુ જે કંપનીઓએ ખેડૂતોને વળતર ચુકવવા જોઈએ તે કંપનીએ હાથ ઊંચા કરી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતો પાસેથી પ્રીમિયમ રૂપે કરોડો રૂપિયા વસુલ કરી ચુકેલી વીમા કંપનીઓએ હાથ ખંખેરી લીધા છે.

ગીર સોમનાથ જીલ્લામાં પાક નિષ્ફળ ગયા બાદ 15 દિવસમાં વીમા કંપનીઓએ સર્વે કરી ખેડૂતોને વીમો ચુકવવાનો હતો. પરંતુ આજે છેલા 3 વર્ષથી ખેડૂતો પોતાના હકની વીમા રકમ મેળવવા માટે વલખાં મારી રહ્યા છે. વીમા કંપનીઓએ જાણે ખેડૂતો પર લૂંટ ચલાવી હોય તેવા આંકડા સામે આવ્યા છે. વીમા પ્રીમિયમના નામે કરોડો રૂપિયા વસુલી લેવામાં આવ્યા છે, પરંતુ ખેડૂતોને એક રૂપિયો નથી ચુકવાયો, ત્યારે ખેડૂતોની કપરી સ્થિતિ માટે જવાબદાર કોણ...? સરકાર કે, પછી વીમા કંપનીઓ...? હાલ તો આવો વેધક સવાલ ખેડૂતોના મનમાં ઉઠી રહ્યો છે.

Tags:    

Similar News