યુ.પી.ની રાહે ગુજરાત: રાજ્યમાં વસતિ નિયંત્રણનો કડક કાયદો લાવવાની તૈયારી !

Update: 2021-07-14 06:08 GMT

વસતિ નિયંત્રણ બાબતે ગુજરાત સરકાર દ્વારા અભ્યાસ કરવામાં આવશે અને જરૂરી લાગશે તો યુપી સરકારની જેમ વિધાનસભામાં ખાસ બિલ લાવવામાં આવશે. ગાંધીનગર ખાતે મહારાષ્ટ્ર ભવનના લોકાર્પણ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વસતિ નિયંત્રણ અંગે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે ગુજરાત સરકાર આ અંગે અભ્યાસ કરી રહી છે.

દેશની અલગ-અલગ સરકારો દ્વારા રાજ્યોમાં જુદી જુદી રીતે વસતિ નિયંત્રણ માટે કવાયત હાથ ધરી છે, ત્યારે ગુજરાત સરકાર પણ રાજ્યમાં વસતિ નિયંત્રણ માટે અભ્યાસ કરશે. જોકે આ કામગીરી અંતર્ગત કેટલાક સમયથી સરકાર દ્વારા આરોગ્ય વિભાગની સાથે કેટલીક કામગીરી કરવામાં આવી રહી હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું.તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ઘણાં વર્ષ પહેલાં વસતિ નિયંત્રણ બાબતે શરૂઆત થઈ છે.

ઉત્તરપ્રદેશમાં રાજ્ય સરકારે વસતિ નિયંત્રણ માટેના કાયદાનો મુસદ્દો જાહેર કરવાની સાથે જ ગુજરાત સરકારે પણ યુપીના ધોરણે કાયદો ઘડવા ચક્રો ગતિમાન કર્યાં છે. પ્રત્યાઘાતો-પરિણામોનો અભ્યાસ શરૂ કર્યો છે. મહત્ત્વની બાબત એ છે કે યુપી તથા ગુજરાત એમ બંને રાજ્યોમાં ભાજપનું શાસન છે અને આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.રાજ્ય સરકારનાં વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશ સરકારે જારી કરેલા કાયદાના મુસદ્દાના આઘાત-પ્રત્યાઘાતો ચકાસવામાં આવી રહ્યા છે.

રાજ્ય સરકારે ભલે કોઇ ચોક્કસ નિર્ણય લીધો નથી પરંતુ નિષ્ણાતોનાં મંતવ્યો લેવામાં આવી રહ્યાં છે અને નાગરિકો તરફથી કેવા પ્રત્યાઘાતો મળે એ વિશે ચર્ચા શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ઉત્તરપ્રદેશના વસતિ નિયંત્રણ કાયદાના મુસદ્દાનો અભ્યાસ કરવામાં આવી જ રહ્યો છે.

Tags:    

Similar News