સાબરકાંઠા : ઈડર-વડાલી હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે જૈન સાધ્વી-શ્રાવિકાનું મોત, પાલખી યાત્રા કાઢી અંતિમ સંસ્કાર કરાયા...

જૈન સાધ્વી અને શ્રાવિકાના મોતના સમાચારને લઇ ઈડરની ખાનગી હોસ્પીટલ ખાતે જૈન સમાજના ટોળેટોળા ઉમટી પડ્યા હતા

Update: 2022-05-10 12:21 GMT

સાબરકાંઠા જિલ્લાના ઈડર-વડાલી હાઈવે રોડ પર મંદ ગતિએ ચાલતા રોડના કામ વચ્ચે વિહાર કરી ચાલતા જતા જૈન સાધ્વી અને શ્રાવિકાને અજાણ્યા વાહને અડફેટે લેતા બન્નેનું મોત નીપજ્યું હતું. અકસ્માતમા જીવ ગુમાવનારા જૈન સાધ્વીની પાલખી યાત્રા સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સાબરકાંઠા જીલ્લાના ઈડર-વડાલી હાઈવે રોડને છેલ્લા કેટલાક સમયથી ફોરલેન હાઈવે બનાવવાનું કામ મંદ ગતિએ ચાલી રહ્યુ છે. પાકા ડાયવર્ઝન વગર ઇડર-વડાલી ટુ લેનથી ફોરલેન બનતા નવીન રોડ પર ગત સોમવારની સમી સાંજે જૈન સમાજના સાધ્વી અને શ્રાવિકા ઈડરથી વિહાર કરી વડાલી તરફ ચાલતા જઈ રહ્યા હતા. રોડની સાઈડમાં ચાલતા જૈન સાધ્વી અને શ્રાવિકાને અજાણ્યા વાહને અડફેટે લીધા હતા.

અકસ્માતમાં બન્નેને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ઈડરની ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ જૈન સાધ્વી અને શ્રાવિકાને મૃત જાહેર કર્યા હતા. વિહાર કરી ચાલતા જતા જૈન સાધ્વી અને શ્રાવિકાના મોતના સમાચારને લઇ ઈડરની ખાનગી હોસ્પીટલ ખાતે જૈન સમાજના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. રોડ પર બનેલા ગોઝારા અકસ્માતને લઇ ઈડર ડીવાયએસપી સહીતનો પોલીસ કાફલો હોસ્પીટલ દોડી આવ્યો હતો.

અકસ્માતમા જીવ ગુમાવનાર જૈન સાધ્વીની વડાલી શહેર ખાતે વાજતે ગાજતે પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. પાલખી યાત્રા દરમ્યાન જૈન સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અવારનવાર જીવલેણ અકસ્માતો બનતા રહે છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો નિર્દોષ લોકોના જીવ બચી શકે તેમ છે.

Tags:    

Similar News