નવસારી : રૂ. 12.50 લાખના સીસમ-સાગના લાકડા ભરેલો ટેમ્પો પકડાયો, અમદાવાદના 3 શખ્સોની ધરપકડ

નવસારી જિલ્લા વન વિભાગ ચીખલી રેંજ સ્ટાફ અને વાંસદા રેંજ સ્ટાફ નેશનલ હાઈવે નં. 48 ઉપર સંયુક્ત પેટ્રોલિંગમાં હતા.

Update: 2024-02-24 07:50 GMT

નવસારીમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નં. 48 પર એંધલ ગામ પાસેથી વન વિભાગે રૂ. 12.50 લાખના સીસમ અને સાગના લાકડા ભરેલા ટેમ્પો સાથે 3 શખ્સોને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લા વન વિભાગ ચીખલી રેંજ સ્ટાફ અને વાંસદા રેંજ સ્ટાફ નેશનલ હાઈવે નં. 48 ઉપર સંયુક્ત પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન વાંસદા મદદનીશ વન સંરક્ષકને બાતમી મળી હતી કે, આઈસર ટેમ્પો નં. GJ-15-Z-1633માં સાગ તેમજ સીસમ ઘડવેરીનો માલ ડીસા ખાતે જનાર છે. જેથી વલસાડ ઉત્તરના નાયબ વન સંરક્ષક તેમજ વાંસદાના મદદનીશ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ ચીખલી તેમજ વાંસદા રેન્જના સ્ટાફ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી, ત્યારે બાતમીવાળો ટેમ્પો આવતા વન સંરક્ષકની ટીમે ટેમ્પાને રોકી તપાસ કરતા તેમાંથી અંદાજે રૂ. 12.50 લાખના સીસમ અને સાગના લાકડા મળી આવ્યા હતા. જેથી વન સંરક્ષકની ટીમે ઘટના સ્થળેથી સીસમ અને સાગના લાકડા સહીત 3 લાખનો ટેમ્પો મળી કુલ રૂ. 15.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પો ચાલક સહિત 3 લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News