વડોદરા : સાધલી ગામે જુની અદાવતે મહિલા સરપંચના પુત્રએ મહિલા સભ્યના પતિને જાહેરમાં માર માર્યો, ઘટના CCTVમાં કેદ...

શિનોર તાલુકાના સાધલીમાં જુની અદાવતમાં મહિલા સરપંચના પુત્રએ મોટરસાયકલ પર જઇ રહેલા મહિલા સભ્યના પતિને જાહેરમાં માર મારતા ઘટના CCTVમાં કેદ થઇ હતી.

Update: 2024-03-27 07:39 GMT

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલીમાં જુની અદાવતમાં મહિલા સરપંચના પુત્રએ મોટરસાયકલ પર જઇ રહેલા મહિલા સભ્યના પતિને જાહેરમાં માર મારતા ઘટના CCTVમાં કેદ થઇ હતી. ગંભીર ઇજા પામેલા મહિલા સભ્યના પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગ્રામ પંચાયતના સરપંચ મનિષા પટેલને 2 માસ અગાઉ નકુમ ફળીયામાં રહેતા મહિલા સભ્ય અસમાબાનુ સરફરાજ નકુમે નકુમ ફળીયામાં પાણીની લાઇન નાંખવા બાબતે રજૂઆત કરી હતી. મહિલા સભ્યની સાથે તેમના પતિ સરફરાજ નકુમ સહિત ફળીયાના અન્ય લોકો પણ ગયા હતા. નકુમ ફળીયાના લોકોએ સરપંચ મનિષા પટેલ સામે સવાલ ઉઠાવ્યો હતો કે, અન્ય વિસ્તારમાં મોટી પાણીની લાઇન નાંખવામાં આવી છે, જ્યારે નકુમ ફળીયામાં નાની પાણીની લાઇન નાંખવામાં આવી છે. નકુમ ફળિયામાં રહેતા લોકોને પાણીની સમસ્યા છે. આ રજૂઆત અને ઉઠાવેલા સવાલને લઇ ઉગ્ર બોલાચાલી થઇ હતી. જોકે, 2 માસ પૂર્વે બનેલા આ બનાવને લઇ મહિલા સરપંચ મનિષા પટેલનો પુત્ર જૈમિન પટેલ રોષે ભરાયો હતો. સરપંચ માતા સાથે ઝઘડો કરનાર મહિલા સભ્ય અસમાબાનુના પતિ સરફરાજ નકુમને સબક શિખવાડવાના ફિરાકમાં હતો. આ દરમિયાન સાધલી ગામમાં ગેરેજ ચલાવતા સરફરાજ નકુમ મંગળવારે પોતાની બાઇક ઉપર રોજા ખોલવા માટે ઘરે જાત હતા, ત્યારે પંચાયત ચોરા પાસે લાકડી લઇને ઉભા રહેલ સરપંચ પુત્ર જૈમિન પટેલ ધસી આવ્યો હતો, જ્યાં બાઇક ચાલક સરફરાજને લાકડીનો ફટકો માર્યો હતો. લાકડીનો ફટકો વાગતા જ સરફરાજ નકુમ નીચે પડી ગયો હતો. સરફરાજ નકુમ બાઇક ઉપરથી પડી ગયા બાદ જૈમિન પટેલે તેના ઉપર લાકડીઓનો વરસાદ વરસાવ્યો હતો. સરફરાજની બુમો સાંભળી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને જૈમિન પટેલને સરફરાજને માર મારતા અટકાવ્યો હતો. તો બીજી બાજુ ગંભીર ઇજા પામેલા સરફરાજ નકુમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ શિનોર પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસે ઘટનાસ્થળ વિસ્તારમાંથી CCTV ફૂટેજ મેળવી તપાસ સાથે કાર્યવાહી શરૂ કરી હતી.

Tags:    

Similar News