ભાવનગર : સિહોર તાલુકામાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ઝુંબેશરૂપે ફોગીંગ-એબેટની કામગીરી શરૂ

ભાવનગર જીલ્લામાં મચ્છર ઉત્પત્તિ વધતાં ડેંગ્યુ, મેલેરીયાએ વધુ દેખા દીધા છે. તેને અટકાવવા માટે આરોગ્ય તંત્ર સતત અને સધન કામગીરી કરી રહ્યું છે

Update: 2021-11-04 10:49 GMT

ભાવનગર જીલ્લામાં દર રવિવારે ૧૦ વાગ્યે ૧૦ મિનિટ સફાઇ માટે ફાળવીને મચ્છર ઉત્પત્તિ અટકાવીને ડેંગ્યુ, મેલેરીયા, ચિકનગુનીયા જેવો મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે ભાવનગર જીલ્લા આરોગ્ય તંત્ર કટિબદ્ધ છે.

ચોમાસાની સિઝન દરમ્યાન ખાસ મચ્છરજન્ય રોગચાળો અને દુષિત પાણીના રોગચાળામાં વધારો થતો હોય છે. ચાલુ વર્ષે પણ ભાવનગર જીલ્લામાં મચ્છર ઉત્પત્તિ વધતાં ડેંગ્યુ, મેલેરીયાએ વધુ દેખા દીધા છે. તેને અટકાવવા માટે આરોગ્ય તંત્ર સતત અને સધન કામગીરી કરી રહ્યું છે. આ કામગીરીમાં લોક સહયોગ મળે તો સોનામાં સુગંધ ભળે. આરોગ્ય તંત્ર કામ કરીને લોકો જાગૃતિ દાખવીને દરેક ઘેર ધ્યાન રાખવામાં આવે તો ચોકકસ આપણે રોગચાળો અટકાવી શકતા હોઇએ છીએ.

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે.તાવિયાડ અને જીલ્લા લાયઝન અધિકારી સરોજ ઝાલા, જયેશ શેઠ, બી.કે.ગોહિલ, ભૂપત સોંડાગરના માર્ગદર્શન હેઠળ જીલ્લાભરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન સેન્ટરોમાં એબેટ,ફોગીંગ, આરોગ્ય શિક્ષણ દ્વારા મચ્છર ઉત્પત્તિ અટકાયતના પગલા લેવામાં આવી રહ્યા છે. તે અન્વયે શિહોર તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. જયેશ વાકાની, તાલુકા સુપરવાઇઝર અનિલ પંડિત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સુપરવાઇઝરો મીતેશ ગૌસ્વામી, વિક્રમ પરમાર, રામદેવસિંહ ચુડાસમા, રાહુલ રમણા, રાજદિપસિંહ ગોહિલ, સુપરવીઝનમાં પ્રા.આ.કેન્દ્ર સણોસરા, સોનગઢ, ઉસરડ, ટાણા, મઢડા તથા અર્બન સેન્ટરના સાજણ હાડગરડા, દિપક નાથાણી સહિતની આરોગ્ય ટીમો દ્વારા પોરાનાશક કામગીરી કરીને પાણીના દરેક પાત્રો ઢાંકીને રાખવાં સલાહ, પોરાવાળા પાણીને ઢોળાવવું, એબેટ તથા ખાડામાં ટાંકીમાં ગપ્પી મછલી મૂકવી, બળેકું તેલ નાખવું તેમજ પત્રિકા વિતરણ, જૂથચર્ચા-આરોગ્ય શિક્ષણ દ્વારા માહિતી અપાઇ રહી છે.

Tags:    

Similar News