દાહોદ : નાનીડોકી ગામે ગોઝારી ઘટના, નવજાતે દુનિયામાં પગ મુક્તા જ ગુમાવ્યો જીવ

Update: 2020-10-25 12:17 GMT

દાહોદ તાલુકાનાં નાનીડોકી ગામ નજીક 30 ફૂટ ઊંડા ખાડાનાં કોતરમાં રિક્ષા ખાબકતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં નવજાત શિશુ સહિત 3 નાં પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યાં હતા.

દાહોદનાં ચોસલા ગામની મહિલા પ્રસૂતિ પીડા ઊપડતાં તાલુકાનાં રેટિયા ગામનાં પીએચસી કેન્દ્રમાં ગઈ હતી. જ્યાં ડિલિવરી બાદ નવજાત સહિત પરિવારનાં બાળકો સાથે ઘરે પરત ફરી રહી હતી તે દરમિયાન નાનીડોકી ગામ નજીક ખાનગી રિક્ષા 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતાં ગોઝારી ઘટના સર્જાઈ હતી. જેમાં નવજાત સહિત ત્રણેય બાળકોનાં પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યાં હતા.

મળતી માહિતી મુજબ દાહોદ તાલુકાનાં ચોસાલા ગામે રહેતી 25 વર્ષીય રંગીબેન કલસિંગભાઈ માવીને પ્રસૂતિ પીડા ઊપડતાં દાહોદ તાલુકાનાં રેટિયા ગામે આવેલી પીએચસી કેન્દ્રમાં ડીલેવરી કરાવવામાં માટે ગઈ હતી અને ડીલેવરી કરાવ્યા બાદ આજે સવારે ખાનગી ઓટો રિક્ષામાં પોતાના પરિવારના બાળકો સાથે ચોસાલા ગામ જઈ રહી હતી તે સમયે રેટિયા નજીક નાનીડોકી ગામમાં રોડની બાજુમાં આવેલા ખુલ્લા તળાવના ત્રીસ ફૂટ ઊંડા કોતરમાં ઓટો રિક્ષા ખાબકી હતી. ઓટો રિક્ષામાં કુલ 6 લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ ફાયર ફાઇટર અને પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીમાં ડૂબી રહેલી ત્રણ મહિલાઓને ભારે જહેમત બાદ બચાવી લીધી હતી. પરંતુ નવજાત સહિત ત્રણ બાળકોના મોત પાણીમાં ડૂબી જવાથી નિપજ્યાં હતા. ઘટનાને પગલે ગામમાં અને પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત ત્રણ મહિલાઓને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જો કે, ખાનગી રિક્ષા ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. પોલીસે ફરાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ફરાર રિક્ષાચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.  

Tags:    

Similar News