નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટમાં એજન્સી દ્વારા આચરાતું કૌભાંડ, જુઓ ટિકિટ કૌભાંડ

Update: 2020-02-17 08:07 GMT

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેટલાક ઠગ લોકો માટે કમાણીનું માધ્યમ બની ગયું છે. ટ્રાવેલ એજન્સી ધારકો પ્રવાસીઓ પાસેથી ટિકિટ દર કરતાં વધારે રકમ પડાવે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવેલા પ્રવાસીઓ પાસેથી વધારે રૂપિયા પડાવતી બે ઠગ એજન્સીઓને પીએસઆઇ પાઠકે પકડી હતી અને તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 16મી ફેબ્રુઆરીએ રવિવારની રજાના દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.દરમીયાન પોતાની ફરજ પર હાજર પીએસઆઈ કે.કે.પાઠક પ્રવાસીઓની ટિકિટ ચેક કરી રહ્યા હતા ત્યારે રાજકોટના 8 પ્રવાસીઓની ટિકિટ પર વ્યુઇંગ ગેલેરી પર જવાના દર 380 રૂપિયાની જગ્યાએ 420 લખેલા એમને જણાયા હતા.જો કે પ્રવાસીઓની ટિકિટ સ્કેન થઈ જવાને લીધે તેઓને અંદર તો જવા દેવાયા હતા પણ આ મામલે સ્ટેચ્યુ ઓફ યુનિટી અધિકારીઓને જાણ કરતા રાજકોટની એક ટુર એજન્સીએ પ્રવાસીઓ સાથે છેતરપીંડી કરવા મામલે કેવડિયા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાઇ છે. આર.સી હોલિડેઝ ટ્રાવેલ નામની એજન્સી સામે હાલ ફરિયાદ દાખલ થઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તૈનાત પીએસઆઈ કે.કે.પાઠકે આ બીજું ટિકિટ કૌભાંડ ઝડપી પાડ્યું છે.

અગાઉ પણ વિશ્વની ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગત 2 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના 10 જેટલા પ્રવાસીઓ પોતાની ટિકિટ સ્કેનિગ કરાવી રહ્યા હતા.દરમિયાન એમની ટિકિટ પર રૂપિયા 1260 હોવાનું ફરજ ઉપરના સ્ટાફ અને PSI કે.કે.પાઠકને જણાઇ આવ્યું હતું, જે ખરેખર 1000 રૂપિયા નક્કી કર્યો છે.આ મામલે ફરજ ઉપર હાજર સ્ટાફે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વહીવટદારને જાણ કરતા ટિકિટ સાથે ચેડા થયા હોવાનું બહાર આવ્યું હતું.એ બાદ આ બનાવ સંદર્ભે કેવડિયા પોલીસ મથકે અમદાવાદ નારણપુરાની રાવ ટ્રાવેલ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

Similar News