રાજપીપળાઃ અહીં એક જ મંડપમાં પૂજાય છે 430 ગણેશજી, વાત છે ખૂબજ રોચક

Update: 2018-09-20 12:12 GMT

અહીં જીવન ઉપયોગી ચીજ વસ્તુઓમાંથી ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવે છે.

રાજપીપળાના ભાટવાડા વિસ્તારમાં છેલ્લા 32 વર્ષથી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓમાંથી ગણેશજી બનાવી સ્થાપના કરવામા આવે છે. અહીં એક એવી માન્યતા છે કે, આ ગણેશજી પાસે જો કોઇ બાધા કે માનતા રાખવામાં આવે તો તે પુર્ણ થાય છે. બાધા પુર્ણ થયા બાદ અહીં નાના ગણેશની મુર્તી મુકવાનો રિવાજ છે. ચાલુ વર્ષે આવી બાધાની 430 થી વધુ મુર્તીઓ પુજાઇ રહી છે. એકજ મંડપમાં એકી સાથે 430 ગણેશજી પૂજાતા હોય તેવું આ એક માત્ર આસ્થાનું કેન્દ્ર છે.

આમ તો સાર્વજનીક ગણેશઉત્સવ ગણેશજી 10 દિવસ આતિથ્ય માણ્યા બાદ વિર્સજીત કરાઇને આવતા વર્ષે પાછા આવજો તેવો નાદ કરાય છે. પરંતુ રાજપીપલાના ભાટવાડામાં બીરાજમાન ગણેશજીની અનોખી આસ્થા રહેલી છે. અહીં ગણેશજી બારેમાસ પુજનીય છે. જીવન ઉપયોગી ચીજ વસ્તુઓમાંથી ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવે છે. કોઇક વખત રાજમામાંથી તો કોઈક વખત પેન્સીલ અને રબરમાંથી તો કોઈક વખત સુકા મેવામાંથી અહીં ગણેશજીની મૂર્તિ બનાવાય છે. આ વર્ષે અહીં રંગબેરંગી પથ્થરોમાંથી ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે. આમાં એક માસની મહેનત લાગે છે. યુવાનો દ્વારા જાતે જ શ્રીજીને સજાવવામાં આવ્યા છે.

અહીં દર વર્ષે હસ્તકલાથી જ ગણેશજીને સજાવવામાં આવે છે. પરંતુ આ ગણેશજીની ખાસ વિશેષતા એ રહી છે કે, અહીં ગુજરાત ભરમાંથી આવતા દર્શનાર્થીઓ કંઈકને કંઈક માનતા રાખતા જાય છે. આ માનતા પુરી થયા બાદ અહીં નાની ગણેશજીની પ્રતીમાનું સ્થાપન કરી જાય છે. આ નાની પ્રતિમાઓ ની સંખ્યા દર વર્ષે વધતી જ જાય છે. આ વર્ષે આવી માનતાની 430 થી વધુ પ્રતિમા લોકો દ્વારા મુકવામાં આવી છે. દરરોજ ભકતી ભાવથી આ તમામ પ્રતિમાએાનું પુજન અર્ચન થાય છે. સમગ્ર રાજપીપળા પંથકમાં આ એક અલગ ગણેશજી મનાય છે. તેમના દર્શન માત્રથી દર્શનાર્થીઓ પુણ્ય ફળ પ્રાપ્ત થયાનો અહેસાસ કરે છે.

માનતા અને શ્રધ્ધાના કારણે જ જ્યાં માત્ર એક પ્રતિમા મુકાતી હતી. ત્યાં આજે સેંકેડો પ્રતિમાઓ મુકી શ્રીજીને પુજવામાં આવે છે. ભાટવાડા વિસ્તારનાં લોકો હવે તો બાધાના ગણેશ વિસ્તાર તરીકે પણ એાળખવા લાગ્યા છે. ત્યારે આ વિસ્તારમાં ગણેશજી માત્ર દસ દિવસ નહીં પરંતુ બારેમાસ લોકોના ર્હ્દયમાં બીરાજમાન છે.

Tags:    

Similar News