સુરત : ભાટિયા ટોલપ્લાઝા “ફાસ્ટટેગ” માટે બન્યું સજ્જ, સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ માટે નાકર સમિતિ દ્વારા આંદોલનના એંધાણ

Update: 2020-12-30 12:51 GMT

આગામી તા. 1 જાન્યુઆરીથી દેશના તમામ ટોલનાકા પર ફાસ્ટટેગ ફરજીયાત થવાનું હોવાથી સુરત જિલ્લાના ભાટિયા ટોલનાકાના સંચાલકો પણ સજ્જ થયા છે. તો બીજી તરફ ફાસ્ટટેગ ફરજીયાત થવાના પગલે સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ અપાવવા નાકર સમિતિ દ્વારા આંદોલનના પણ એંધાણ સર્જાઈ રહ્યા છે.

તા. 1 જાન્યુઆરી 2021થી દેશભરના નેશનલ હાઈવે પર આવેલા તમામ ટોલનાકાઓ પર ફાસ્ટટેગ ફરજીયાત થઇ રહ્યા છે, જેને લઇ ટોલનાકા સંચાલકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં તમામ ટોલનાકાઓ પર મોટા બેનરો મારીને વાહનચાલકોને ફાસ્ટટેગ બાબતે અવગત કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ભાટિયા ટોલનાકા ખાતે પણ સંચાલકો દ્વારા ફાસ્ટટેગના ફાયદાઓ બાબતે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ઉપરાંત ટોલનાકા પર સ્પીકર મૂકી સતત ગીતો વગાડી, કર્મચારીઓ દ્વારા વાહનચાલકોને પેમ્પલેટ સહિત મૌખિક રીતે પણ સમજાવવામાં આવી રહ્યા છે. જોકે અલગ અલગ બેંકો દ્વારા પણ ટોલનાકા બહાર કેનોપી ઉભી કરી ફાસ્ટટેગના વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાસ્ટટેગ ફરજીયાત થવાને લઇ વાહનચાલકો પણ ફાસ્ટટેગ બાબતે ઉત્સાહ દર્શાવી રહ્યા છે. પરંતુ મુખ્યત્વે સ્થાનિક વાહનચાલકોને કરમાંથી મુક્તિ મળે તેવી પણ ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

તો, બીજી તરફ ભાટિયા ટોલનાકા પર ટોલને લઇ છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જ્યાં કામરેજ ટોલનાકા પર સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી છે, તો બીજી તરફ પલસાણાના ભાટિયા ટોલનાકા પર સ્થાનિકો પાસે 20 રૂપિયા ટોલ વસુલવામાં આવે છે. સ્થાનિકોના ઉપયોગમાં આવતો સર્વિસ રોડ પર ટોલબુથ કબ્જે કરી ફાસ્ટટેગમાંથી પસાર થવા મજુબર કરશે. જોકે ટોલનાકા દ્વારા માસિક પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 275 રૂપિયા ચૂકવવાના રેહશે. જેથી વાહનચાલક દિવસ દરમ્યાન ઈચ્છા પ્રમાણે અનેકવાર ટોલનાકા પરથી પસાર થઇ શકશે.

લોકડાઉન પહેલા પણ ભાટિયા ટોલનાકા પર સ્થાનિકો પાસે વસુલવામાં આવતા ટેક્ષનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં નાકર સમિતિ બનાવી લાંબી લડત પણ લડવામાં આવી હતી. જોકે લોકડાઉનને લઇ લડત ઠંડી પડી ગઈ હતી. પરંતુ હવે ફાસ્ટટેગ ફરજીયાત થવાના જાહેરનામાને લઇ નાકર સમિતિ ફરી એકવાર મેદાનમાં આવી છે. નાકર સમિતિ દ્વારા વિરોધની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. જોકે નાકર સમિતિ દ્વારા વિરોધનો દોર પણ શરૂ થયો છે. જેમાં ફરીથી જોરશોરમાં આંદોલન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. તેમજ ટોલબુથ દ્વારા કબ્જે કરાયેલા સર્વિસ રોડ સ્થનિકો માટે ખુલ્લો મુકવા અંગે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવા અંગેની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

Tags:    

Similar News