સુરત: એક વર્ષ બાદ આજથી રેલ્વે સ્ટેશન ખાતે કરંટ વિન્ડો ટીકીટ બુકિંગ કાર્ય શરૂ, મેમુ ટ્રેનોને અનારક્ષિત રૂપે દોડાવાઈ

Update: 2021-03-04 13:56 GMT

કોરોના કાળ બાદ રેલ્વે દ્વારા શરૂ કરવામાં આવેલી તમામ ટ્રેનો આરક્ષિત રૂપે દોડાવવામાં આવે છે. જોકે, હવે એક વર્ષ બાદ તા. 4 માર્ચથી સુરત રેલ્વે સ્ટેશન ખાતે કરંટ વિન્ડો ટીકીટ શરૂ થઈ ગઈ છે. લોકડાઉન બાદ સ્થિતિ સામાન્ય બનતા પ્રથમવાર અનરિઝર્વડ ટ્રેનનો પ્રારંભ થયો છે. જોકે મુસાફરોને હાલ સિઝન પાસ અને પ્લેટફોર્મ ટીકીટ મળી શકશે નહીં.

પશ્ચિમ રેલ્વેની 33 જેટલી અનરિઝર્વડ ટ્રેન હવે શરૂ થઈ ગઈ છે. જેમાં સુરત-ભુસાવળ, સુરત-વલસાડ, ઉધના-નંદુરબાર સહિતની મુંબઇ ડિવિઝનની મેમુ ટ્રેનો આજથી અનારક્ષિત રૂપે શરૂ થઇ છે. આ ઉપરાંત વડોદરા ડિવિઝનની સુરત-વડોદરા મેમુ પણ શરૂ કરી દેવામાં આવી છે. તમામ ટ્રેનોમાં મુસાફરો સ્ટેશન પરથી જ ટિકિટ લઈ મુસાફરી કરી શકશે. જોકે, ડેઇલી અપડાઉન કરતા પાસ હોલ્ડરો ક્યારથી પાસ કઢાવી મુસાફરી કરી શકશે એ બાબતે કોઈ જાણ કરવામાં આવી નથી. અત્યાર સુધીમાં તમામ ટ્રેનો ફક્ત આરક્ષિત રૂપે દોડતી હતી જેને લીધે નિયમિત અવરજવર કરનાર મુસાફરોએ પણ રોજેરોજ ટિકિટ બુક કરાવી મુસાફરી કરવી પડતી હતી. તો સાથે જ હવે મુસાફરો રેલ્વે સ્ટેશન પરથી ટિકિટ મેળવી મુસાફરી કરી શકશે. રેલ્વે વિભાગે અગાઉ મેમુ પેસેન્જર ટ્રેનો શરૂ તો કરી દીધી હતી, પરંતુ ટ્રેનો લાંબા અંતરની ટ્રેનોની જેમ આરક્ષિત હોવાથી મુસાફરોને મુશ્કેલીમાં ફર્ક પડ્યો ન હતો. પેસેન્જર એસો. દ્વારા પણ ટ્રેનોને અનારક્ષિત રૂપે દોડાવવા માંગ કરાઇ હતી, ત્યારે રેલ્વે દ્વારા ટૂંકા અંતરની મુસાફરી કરનારાઓ માટે મેમુ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. જેમાં ફક્ત રિઝર્વેશન હોવાથી IRCTC એક્સ્ટ્રા ચાર્જ પણ ઉમેરતી હતી. જોકે રેલ્વેએ હવે મેમુ ટ્રેનોને અનારક્ષિત રૂપે દોડાવવાનું નક્કી કરાતા અનેક મુસાફરોની સમસ્યાનો અંત આવ્યો છે.

Tags:    

Similar News