સુરત:ઓનલાઇન ટ્રાન્સફરની બોગસ રસીદ મોબાઇલ ફોન પર બતાવી વસ્તુઓ લઈ જઈ છેતરપિંડી કરનારા ગઠિયાને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો

Update: 2019-05-03 16:24 GMT

સુરત શહેરની સંખ્યાબંધ ઇલેક્ટ્રોનિક્સની દુકાનોમાંથી તેમજ ઓએલએક્સ પર ટીવી-મોબાઇલ ફોન ખરીદીને તેનું પેમેન્ટ ઓનલાઇન કરી દીધું હોવાનું કહીને ઓનલાઇન ટ્રાન્સફરની બોગસ રસીદ મોબાઇલ ફોન પર બતાવી વસ્તુઓ લઈ જઈ છેતરપિંડી કરનારા ગઠિયાને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ વરાછામાં બે અને કતારગામ પોલીસમાં એક ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ આવી રીતે ઘણા સાથે ઠગાઈ કરી છે.

ક્રાઇમબ્રાંચને માહિતી મળી હતી કે દુકાનો અને ઓએલએક્સ પરથી ઇલેક્ટ્રોનિક્સ ખરીદીને રૂપિયા નહીં ચૂકવનાર ગઠિયો અભિષેક ઉર્ફે રોહન ખન્ના સુરેશકુમાર નંદવાણી ભટાર ચાર રસ્તા ખાતે મધુરમ એપાર્ટમેન્ટમાં રહે છે. જેના આધારે અભિષેક ઉર્ફે રોહનની ધરપકડ કરી છે. તેના ઘરમાંથી ક્રાઇમબ્રાંચે 3 એસી, 3 ટીવી, 1 વોશિંગ મશીન, 1 ઘરઘંટી, 1 ઘડિયાળ, 1 મોબાઇલ ફોન મળીને કુલ 2.39 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી અભિષેક કોઈ પણ દુકાન પર જઈને ત્યાંથી ઇલેક્ટ્રોનિક્સની વસ્તુઓ ખરીદે છે. ત્યાંજ મોબાઇલ ફોનથી પેમેન્ટ ઓનલાઇન ટ્રાન્સફર કર્યો હોવાનું કહે છે. મોબાઇલ પર જ પેમેન્ટ ઓનલાઇન ટ્રાન્સફરની બોગસ રસીદ બતાવતો હતો. ખરેખર પેમેન્ટ ટ્રાન્સફર થયું હોતું નથી. આવી રીતે અભિષેકે ઘણા દુકાનદારો સાથે ઠગાઈ કરી છે.

આરોપી સામે બે વરાછામાં અને એક કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જેમાં વરાછા-કતારગામમાં બુધવારે ગુનો નોંધાયા છે. જેમાં સરથાણા જકાતનાકા પાસે અભિનંદન રેસીડેન્સીમાં રહેતા અશોક નાનજી માંગુકિયા લંબે હનુમાન રોડ પર માયા કોમ્પ્લેક્સમાં અશોક એન્ટરપ્રાઇઝના નામથી ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો વેપાર કરે છે. ત્યાંથી અભિષેકે નવેમ્બર-2018માં 60 હજારની બે ટીવી ખરીદી રૂપિયા ચૂકવ્યા ન હતા. કતારગામમાં પાટીદાર સમાજની વાડી પાસે ક્રિષ્ણા સેલ્સ એન્ડ સર્વિસના નામે દુકાન ધરાવતા મયુર વાઘાણી પાસેથી અભિષેકે ઘરઘંટી, ફોન, બે એસી,એક વોશિંગ મશીન અને ટીવી મળીને 1.31 લાખનો સામાન ખરીદી રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી કરી છે.

ઉલ્લેખનીય છે કે આ ભેજાબાજે ઠગાઈ કરવાનો એક નવો જ કીમિયો અપનાવ્યો હતો પરંતુ આખરે પોલીસ પકડમાં આવી જતા તેનો ભાંડો ફૂટી ગયો છે હાલ પોલીસે તેની ધરપકડ કરી તેની સાથે આ ગુનામાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

 

Tags:    

Similar News