સુરત : ગેસ લીકેજના કારણે સ્ટવમાં થયો ભડકો, એક જ પરિવારના 5 સભ્યો દાઝ્યા...

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં ગેસ લીકેજના કારણે સ્ટવમાં ભડકો થયો હતો

Update: 2022-01-16 10:33 GMT

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં ગેસ લીકેજના કારણે સ્ટવમાં ભડકો થયો હતો, ત્યારે એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે દાઝી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ આર.ડી. નગરમાં ગેસ લીકેજના કારણે બાજુના મકાનમાં સ્ટવ સળગાવતા જ મોટો ભડકો થયો હતો. જેમાં મૂળ બિહારના અને એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનામાં 17 વર્ષીય રાહુલ દોમન પ્રસાદરામ, 39 વર્ષીય છોટેલાલ રામકિશોર રામ, 70 વર્ષીય કંચન કવિતાસિંગ, 13 વર્ષીય પવનકુમાર છોટેલાલ અને 10 વર્ષીય શ્રવણકુમાર છોટેલાલને ઇજાઓ પહોચી હતી. તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર મામલે ઇજાગ્રસ્તે જણાવ્યું હતું કે, અમે તમામ બિહારના રહેવાસીઓ એક જ ઓરડીમાં રહીને ગુજરાન ચલાવીએ છીએ. જોકે, ગત શનિવારે સાંજે 7:30 વાગ્યાની આસપાસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતા રૂમ બહાર મૂકી દીધો હતો. ત્યારબાદ રાત્રે 9:30 વાગ્યે ગેસ લીકેજવાળી બોટલ ગેલેરીમાંથી રૂમમાં લાવતા જ તેમાં ભડકા સાથે આગ ફાટી નીકળી હતી. જોકે, અમે કઈ સમજીએ તે પહેલાં બધા જ એટલે કે, આખું પરિવાર આગની ઝપેટમાં આવી ગયું હતું. આગ એટલી ભયાનક હતી કે, બાજુના રૂમને પણ તેની લપેટમાં લઈ લીધો હતો. બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવતા અમને મદદ મળી હતી.

Tags:    

Similar News